Agriculture News: ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અહીંયા આશરે 55 થી 60 ટકા વસતિ ખેતી પર નિર્ભર છે. તેમ છતાં ખેતી ખેડૂતોને પૂરતો નફો ન આપતું ક્ષેત્ર માનવામાં આવે છે. પરંતુ દેશમાં ઘણા ખેડૂતો એવા છે જે પારંપરિક ખેતીથી હટીને અલગ ખેતી કરીને સારો નફો કમાઈ શકે છે. આવી જ એક ખેતી છે મહેંદીની, જેમાં ખેડૂતો લાખો રૂપિયાનો નફો કમાઈ શકે છે.


દેશના મોટાભાગના રાજ્યમાં મહેંદીની ખેતી કરવામાં આવે છે પરંતુ રાજસ્થાનના પાલી જિલ્લામાં તેના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે. અહીંયા આશરે 40 હજાર હેક્ટર જમીન પર મહેંદીની ખેતી થાય છે. પાલી જિલ્લામાં સોજત તથા મારવાડ જંકશનમાં મહેંદીનું બજાર તથા પાનના પાવડર બનાવવાના તથા પેકિંગ કરવાના અનેક કારખાના છે.


કેવી રીતે કરશો મહેંદીની ખેતી


ચોમાસામાં જમીન સમતલ કરો. જે બાદ ડિસ્ક તથા કલ્ટીવેટરથી જમીન ખેડો. ખેતર ખેડ્યા બાદ જ્યાં વાવેતર કરવાનું હોય તે વિસ્તારમાં 10 થી 15 ટન દેશી ખાતર નાંખો. મહેંદીના છોડને શુષ્ક અને સામાન્ય ગરમ વાતાવરણ વધારે પસંદ આવે છે. મહેંદીની છોડ નર્સરીમાંથી સરળતાથી મળી રહે છે. વ્યવસાયિક ખેતી માટે છોડ રોપણ વિધિ જ સર્વોત્તમ છે. એક હેકટર જમીનમાં રોપ વાવવા માટે 6 કિલો બિયારણની જરૂર પડે છે. ક્યારા તૈયાર કર્યા બાદ માર્ચ મહિનામાં વાવણી કરો.


મહેંદીના છોડ એક વર્ષમાં તૈયાર થઈ જાય છે. એપ્રિલમાં તેમાં ફૂલ આવવાનું શરૂ થાય છે. એક વખત છોડ ઉગી ગયા બાદ 20 થી 25 વર્ષ સુધી ટકી રહે છે. મહેંદીના છોડની બે હરોળ વચ્ચે અન્ય પાક લઈને વધારાની આવક લઈ શકાય છે. પ્રથમ વર્ષે મહેંદીની ઉપજ ક્ષમતાના 5-10 ટકા ઉત્પાદન મળે છે. મહેંદીના છોડ 3-4 વર્ષ બાદ પોતાની ક્ષમતાનું પૂરું ઉત્પાદન આપે છે. પાકથી પ્રતિ વર્ષ આશરે 15-20 ક્વિંટલ પ્રતિ હેક્ટર સૂકા પાનનું ઉત્પાદન થાય છે. જેને વેચીને સારી કમાણી કરી શકાય છે.