કુંવરજી બાવળીયાને મંત્રીપદ અપાતા BJPના કયા MLAએ કર્યો વિરોધ
વડોદરા: કુંવરજી બાવળિયાના પક્ષ પલટા અને પ્રવેશથી ભાજપમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. આયાતી નેતા બાવળિયાને સીધુ પ્રધાનપદ અપાતા ભાજપના કેટલાંક ધારાસભ્યો નારાજ થયા છે. મધુ શ્રીવાસ્તવે કુંવરજી બાવળીયાની પક્ષમાં મંત્રી પદની જાહેરાત બાદ ખુલ્લેઆમ પાર્ટી પર વ્યંગ કર્યો છે.
મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, અમને મંત્રી પદ નહીં આપે તો અમે શું મંજીગા વગાડીશું. અમે અગાઉ મંત્રી પદ માટે રજુઆત કરી ચૂક્યા છે. 15થી 20 ભાજપનાં ધારાસભ્યોએ આ અંગે ચર્ચા કરી છે. જે આવે તેને વેલકમ કરવામાં આવે છે.
સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ભાજપનાં કેટલાકં નારાજ ધારાસભ્યની ગુપ્ત બેઠકમાં ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં ધારાસભ્યોની નારાજગી બહાર આવી શકે છે. બાવળીયાના ભાજપ પ્રવેશથી પક્ષમાં વિપરીત અસરની સંભાવના છે. જેમાં સૌથી પહેલો નારાજગીનો સૂર વડોદરા ભાજપના નેતા મધુ શ્રીવાસ્તવે આલાપ્યો છે.
કેડર, બેઝ, શિસ્ત બદ્ધ ભાજપ પાર્ટીમાં હવે ધારાસભ્યો ખુલીને બહાર આવી ગયા છે. આમ, ભાજપનો કોંગ્રેસ તરફી પ્રેમ ચૂંટણી સમયે તેને જ ભારે પડી શકે છે. રાજધાની ગાંધીનગરમાં નેતાઓની નારાજગીનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.
2019ને ધ્યાને રાખી આ બધુ કરવામાં આવી રહ્યું છે. બધાંને કંઈને કંઈક આપીને લાવવામાં આવી રહ્યાં છે. કુંવરજી બાવળીયા સિનિયર નેતા અને સૌરાષ્ટ્રના કોળી સમાજ પર મોટું પ્રભુત્વ ધરાવે છે. ત્યારે ભાજપમાં અંદરો-અંદર ચર્ચા શરૂ થઈ છે કે બાવળીયાને ધારાસભ્ય બાદ પ્રધાનપદ અપાયું હોત તો સારું થાત.