ખાનગી શાળાઓએ ફી વધારાની મંજૂરી માટે 33 પેજનું ફોર્મ, કઈ કઈ વિગતો આપવી પડશે ? જાણો

સંચાલકોએ ફી વધારતાં પૂર્વે અત્યાર સુધીના એક-એક રૂપિયાનો હિસાબ કમિટીને આપવો પડશે. ફી વધારો કરવા માગતા શાળા સંચાલકોએ ફી વધારાનાં કારણો દર્શાવતું 33 પાનાંનું ફોર્મ જે તે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમક્ષ રજૂ કરવું પડશે. કમિટીની જાહેરાતની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે જાહેરાત બાદ કચેરી સમક્ષ આવેલા ફોર્મ કમિટીને રજૂ કરાશે, જેથી નિર્ણય બાબતે સમયની બચત કરી શકાય.
શાળા સંચાલકોએ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરીને આગામી 24 દિવસમાં અરજી કરી દેવી પડશે, જેમાં શૈક્ષણિક વર્ષમાં ઉઘરાવાતી 21 પ્રકારની ફીની આવક જાહેર કરવી પડશે. આ આવકમાં ટ્યૂશન ફી, ટર્મ ફી, લાઇબ્રેરી ફી, ડિપોઝિટ, જિમખાનાની ફી, કોશનમની, પરીક્ષા ફી એડમિશન ફી, યોગ અને પીટીસી, બુક, યુનિફોર્મ, શુઝ,કમ્પ્યૂટર ફી, ટ્રાન્સપોર્ટેશન ફી, નાસ્તો કે જમવાની ફી. આ સિવાયના હેડની લેવાતી ફી ઉપરાંત સરકારી ગ્રાંટ મળી હોય તો તેની આવકનો દાખલો પણ તેમાં રજૂ કરવો પડશે.
વિદ્યાર્થીદીઠ આવક અને ખર્ચ પણ સંચાલકોએ બતાવવા પડશે, જેમાં વિદ્યાર્થીદીઠ થતી વાર્ષિક આવક અને ખર્ચ, સંચાલકોના પગાર-એલાઉન્સ, બિલ્ડિંગ અને પ્લે ગ્રાઉન્ડનું ભાડું, ટેકસ, લાઇટિબલ, પ્રવૃત્તિ ખર્ચ, સમારકામ ખર્ચ, હાઉસકીપિંગ, પરીક્ષા બોર્ડ એફિલિયેશન ફી, શુઝ, પુસ્તક, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય તમામ ફી સાથેનો વિદ્યાર્થીદીઠ ખર્ચ અને આવક બતાવવાં પડશે.
નાણાકીય વિગતોમાં શાળા સંચાલકોએ બેંકનું ખાતું, સાઇનીંગ ઓથોરિટી, અરજીના સમયે બેંક બેલેન્સ, સ્કૂલ બિલ્ડિંગના માલિકનું નામ, શાળાની જમીનની હાલની કિંમત, ખરીદ કિંમત, બાંધકામ વર્ષ, ભાડે હોય તો ભાડા કરાર, વાર્ષિક ભાડું છેલ્લાં ૩ વર્ષનું ભાડું કયા ખાતામાં જમા થયું તેની વિગત વગેરે બાબતો કમિટીને જણાવવી પડશે.
અમદાવાદઃ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ અગાઉ સરકારે કરેલી ફી રેગ્યુલેટરી કમિટીના સભ્યોની જાહેરાત આ સપ્તાહના અંત સુધીમાં થવાની શક્યતા છે ત્યારે શાળાઓમાં ફી વધારવા માટે તલપાપડ થતા સંચાલકો માટે 33 પાનાંનું ફોર્મ જાહેર કરી દેવાતાં સંચાલકો તેમના સી.એ.ની સલાહ લેવા દોડતા થયા છે.