કઈ પાટીદાર સંસ્થાએ અનામતથી થતાં અન્યાય મુદ્દે હાઈકોર્ટમાં કરી જાહેર હિતની અરજી?
અરજદારનો દાવો છે કે, માત્ર મતબેંક ઊભી કરવા માટે આ પ્રકારના વધારાના લાભ અપાયો છે. આવા લાભ આપતા પહેલાં કોઈપણ પ્રકારનો સર્વે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી માહિતી પૂરી પાડ્યા વગર છેલ્લા સિત્તેર વર્ષથી આવા લાભ અપાય છે, જેના કારણે લોકોને અન્યાય થાય છે .
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ અનામતથી થતા અન્યાયના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજી સરદાર પટેલ સેવા દળ(એસપીજી) દ્વારા કરવામાં આવી છે. બંધારણની જોગવાઈ મુજબ સરકારે અનામત આપી પણ અનામતવાળાને અનામત ઉપરાંત વધારાના લાભ આપ્યા તેની સામે જાહેર હિતની અરજીમાં વાંધો ઉઠાવાયો છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઓછી પરીક્ષા ફી, સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓછા માર્કે પાસ થવું, નોકરીમાં વધુ ઉંમરનો લાભ, પરીક્ષાના વધુ ટ્રાયલ જેવા લાભ ઉપરાંત વધારાના લાભ હોવાનો અરજદારે દાવો કર્યો છે. અનામતવાળા ઉમેદવારો મોટેભાગે શહેરમાં રહેતા પરિવારમાંથી આવે છે, જેથી ફી ભરી શકે તેમ હોય છે, તેમ અરજીમાં જણાવાયું છે.
અરજીમાં દાવો કરાયો છે કે, અનામતવાળા ઉમેદવારો હાલ પુરતાં પ્રમાણમાં મળે છે અને ઓપન સીટોમાં ભાગ પડાવે છે. ઓછા માર્કે પાસ કરવાની કે વધુ ઉંમરનો લાભ આપવાની જરૂર ન હોવા છતાં સરકાર આ લાભ આપી રહી છે તે બંધ થવા જોઈએ તેવી અરજદારે માંગ કરી છે.
દર વર્ષે અનામતની જાતિઓનો સર્વે અને સક્ષમ જાતિઓને અનામતમાંથી દૂર કરી નવી જાતિઓને દાખલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ નહીં હોવાનો અરજદારનો દાવો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારનો આ મુદ્દે ખુલાસો માંગ્યો છે. આ તમામ મુદ્દાઓ પર સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે તેઓ હાઈકોર્ટનો નિર્દેશ છે. ૨૯ ઓક્ટોબરના રોજ આ મુદ્દે સુનાવણી હાથ ધરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -