આંજણા ચૌધરી સહિતની જ્ઞાતિઓને OBCમાંથી દૂર કરવાની અરજીઓ પાછળ ભાજપનો દોરીસંચાર ? જાણો શું છે ભાજપની યોજના ?
કેન્દ્ર સરકારના ઓબીસી લિસ્ટમાંથી 140 જ્ઞાતિઓને દૂર કરવાની અરજી મહેસાણાના અંબાલાલ પટેલ નામના કાર્યકરે કરે છે. તેમનું બેકગ્રાઉન્ડ શું છે તે સ્પષ્ટ નથી પણ પટેલ આગેવાનને આગળ કરીને ભાજપે આ ખેલ ખેલ્યો હોય તેવી શક્યતા રાજકીય વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે.
આ બંને અરજીઓના કારણે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જાગી છે કે આ અરજીઓ પાછળ ભાજપનો હાથ છે અને ભાજપ આ રીતે હાઈકોર્ટમાં અરજીઓના માધ્યમથી દેશભરમાં જ્ઞાતિના ધોરણે નહીં પણ આર્થિક ધોરણે પછાત વર્ગ (ઈબીસી)ને અનામત આપવાનો પોતાનો એજન્ડા પાર પાડવા માગે છે.
આ અરજીમાં 140થી વધુ જ્ઞાતિઓનો ઓબીસીમાં સમાવેશ કરવા સામે વાંધો ઉઠાવાયો છે અને સરકારે પુનઃ મૂલ્યાંકન કર્યા વિના આ જાતિઓને ઓબીસી કેટેગરીમાં મૂકી છે તેવો આક્ષેપ કરાયો છે. આ પહેલાં ઓબીસીની કેટેગરીમાંથી ગુજરાતની 39 જાતિઓને રદ્દ કરવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી થઇ ચૂકી છે.
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં કેન્દ્રના અન્ય પછાત વર્ગ (ઓબીસી) લિસ્ટને પડકારતી જાહેર હિતની અરજીનો સ્વીકાર થયો એ સાથે જ અનામતનો મુદ્દો ફરી ચગ્યો છે. કોર્ટે આ જાહેર હિતની અરજીને દાખલ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરી છે અને જવાબ માંગ્યો છે.
બીજી અરજીમાં હાઈકોર્ટને લાગે કે, આ જ્ઞાતિઓનો સમાવેશ કોઈ સર્વે વિના કરાયો છે, તો હાઈકોર્ટ આ જ્ઞાતિઓને ઓબીસી લિસ્ટમાંથી કાઢવાનો આદેશ આપી શકે છે. તેના પરિણામે આ જ્ઞાતિઓને સરકારી નોકરી અને શિક્ષણમાં અનામતનો લાભ મળતો બંધ થઈ જાય અને દેશભરમાં ઓબીસી જ્ઞાતિઓની સમીક્ષા કરવી પડે.
ભાજપ સરકાર તેનો લાભ લઈને ઈબીસીને આધાર બનાવીને બે ભાગમાં હોય નવી અનામત જાહેર કરી શકે. અત્યારે ઓબીસીમાં સમાવિષ્ટ હોય અને જેમની મતબેંક મોટી હોય તેવી જ્ઞાતિઓને જ્ઞાતિના આધારે અનામત અપાય ને બાકીના લોકોને ઈબીસી અનામત અપાય તેવી ફોર્મ્યુલા ભાજપ અમલમાં મૂકી શકે.
રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા પ્રમાણે પહેલી અરજીમાં હાઈકોર્ટ આંજણા ચૌધરી સહિતની જ્ઞાતિઓને સર્વે વિના સમાવેશ કરાયો છે તેવો ચુકાદો આપી શકે. એ રીતે ગુજરાતમાંથી આંજણા ચૌધરીઓ સહિતની 39 જ્ઞાતિઓ ઓબીસી લિસ્ટમાંથી નાબૂદ થાય તો અનામતની માગ કરતા પાટીદારોને ટાઢા પડી જાય.
આંજણા ચૌધરીઓ સમૃદ્ધ હોવા છતા ઓબીસીમાં છે, તેના કારણે ઠાકોર સમાજ પણ નારાજ છે. ચૌધરી સમાજનો ઓબીસીમાં સમાવેશ ના થાય તો તેનો મહત્તમ લાભ ઠાકોર સમાજને મળે. આમ, ભાજપે પાટીદારો અને ઠાકોર એ બે મોટા સમાજને ખૂશ કરવા માટે આંજણા ચૌધરી સમાજને ઓબીસીમાંથી દૂર કરવાની વ્યૂહરચના અપનાવી છે.
આ અરજીઓ પાછળ ભાજપ છે તેવું માનવા પાછળ એ તર્ક અપાય છે કે, પહેલી અરજી કરનાર તો ભાજપના પાટણના કાઉન્સિલર છે. તેમણે આ અરજી કરી એ પછી ભાજપે ના તો તે અંગે કોઈ પ્રતિક્રિયા આપી છે કે ના તો પોતે આ પ્રકારની હિલચાલનો વિરોધ કરે છે તેવું વલણ અપનાવ્યું છે.
ભાજપની આ ફોર્મ્યુલાના કારણે ગુજરાતમાંથી ચૌધરી કે હિંદુ આંજણા ચૌધરી, કુંભાર, મિસ્ત્રી, ગુજ્જર,પંચાલ, કડિયા સુથાર, માળી, સથવારા જેવી જ્ઞાતિઓ નિકળી જઈ શકે. પાટીદારો ઓબીસીમાં સમાવેશ કરીને અનામત માગ કરી રહ્યા છે, તે પાછળ ઉત્તર ગુજરાતના આંજણા ચૌધરીઓનો ઓબીસીમાં સમાવેશ જવાબદાર મનાય છે.