Ahmedabad Rathyatra 2023:  અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારી થઈ રહી છે. આવતીકાલે જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળશે. આજે ભગવાનના સોનાવેશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. આજે બપોરે કૉંગ્રેસ કમિટી જગન્નાથ મંદિરની મુલાકાત લેશે. સાંજે 6.30 વાગ્યે CMના હસ્તે વિશિષ્ઠ પૂજા અને આરતી થશે.


1200 ખલાસીઓ જોડાશે


20 જૂને યોજાનારી રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા, સાધુ-સંતો અને ભક્તો સાથે1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવશે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.18 જૂનના રોજ ભગવાન જગન્નાથ મામાના ઘરેથી પરત ફરશે ત્યારે ગર્ભગૃહમાં તેમની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ કરવામાં આવશે.




અમદાવાદમાં કયા કયા રસ્તાંઓને રખાયા છે બંધ 


રથયાત્રાના દિવસે શહેરના ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફુલ બજારનો રસ્તો રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહશે, તેમજ રાયખડ ચાર રસ્તા અને આસ્ટોડિયા દરવાજાનો રસ્તો પણ બંધ રહેશે. આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલનો રસ્તો સાંજે 4.30 કલાક સુધી બંધ રહેશે અને આ રીતે સાળંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્હી ચકલાનો રસ્તો સવારે 9 કલાકથી બંધ રહેશે અને સાંજે ચાર વાગ્યા બાદ આ રસ્તા ખોલવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર.સી. હાઇસ્કૂલ, ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, માણેકચોક, ગોળલીમડા સાંજે 5.30 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. મહત્વનું છે કે, રથયાત્રાના દિવસે અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં રાયખડ ચાર રસ્તાથી વિકટૉરિયા ગાર્ડનથી રિવરફ્રન્ટ ફુલબજારથી જમાલપુર બ્રિજથી ગીતા મંદિરનો રસ્તો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે ગાયકવાડ હવેલી જવા માટે રાયખડ ચાર રસ્તાથી જમાલપુર થઇ ગાયકવાડ હવેલી જઇ શકાશે.


આ રૂટ પર રથયાત્રા નીકળશે


સવારે 7 વાગ્યે-રથયાત્રાનો પ્રારંભ


9 વાગ્યે-મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ


9.45 વાગ્યે- રાયપુર ચકલા


10.30 વાગ્યે-ખાડિયા ચાર રસ્તા


11.15 વાગ્યે-કાલુપુર સર્કલ


12 વાગ્યે-સરસપુર


1.30 વાગ્યે-સરસપુરથી પરત


2 વાગ્યે-કાલુપુર સર્કલ


2.30 વાગ્યે-પ્રેમ દરવાજા


3.15 વાગ્યે-દિલ્હી ચકલા


3.45 વાગ્યે-શાહપુર દરવાજા


4.30 વાગ્યે-આર.સી. હાઇસ્કૂલ


5 વાગ્યે-ઘી કાંટા


5.45 વાગ્યે-પાનકોર નાકા


6.30 વાગ્યે-માણેકચોક


8.30 વાગ્યે-નિજ મંદિર પરત


અમદાવાદમાં કયારે થઈ હતી રથયાત્રાની શરૂઆત


અમદાવાદ શહેરમાં રથયાત્રાની શરૂઆત 1878માં થઈ હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન નગર ચર્યાએ નીકળીને નગરજનોને દર્શન આપે છે. 2023 માં 146મી રથયાત્રા નીકળશે. આ માટે હાલ ભગવાન જગન્નાથજી, ભાઈ બલબદ્ર અને બહેન સુભદ્રાજી માટે ત્રણેય નવા રથનું નિર્માણ થઈ રહ્યું છે. પરંપરા જળવાઈ રહે તે પ્રમાણે રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.