Mahashivratri 2024: શિવલિંગને લઈને કેટલાક લોકોની માન્યતા છે કે ઘરમાં શિવલિંગ ન રાખવું જોઈએ. તેથી મોટાભાગના લોકો મહાશિવરાત્રી પર નજીકના શિવ મંદિરોમાં અભિષેક કરવા જાય છે. જોકે શિવલિંગને ઘરમાં રાખવાથી કોઈ નુકસાન નથી, પરંતુ ભગવાન શિવના શક્તિશાળી પ્રતીક એવા શિવલિંગને ઘરમાં જ સ્થાપિત ત્યારે જ  કરવું જોઈએ જો આપણે તેનો દરરોજ અને નિયમિત રીતે જળાભિષેક કરીએ. જો સમયના અભાવે કે સ્વાસ્થ્ય વગેરેના કારણે શિવલિંગ પર નિયમિત જળાભિષેક ન કરવામાં આવે તો શિવલિંગ ઘરમાં ન રાખવું જોઈએ. નહિંતર તમારે ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે અથવા કોઈ મોટા અનિષ્ઠનો સામનો કરવો પડી શકે છે. અહીં અમે વાત કરીશું કે જો ઘરમાં શિવલિંગ હોય તો કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે હિન્દુ માન્યતાઓ અનુસાર શિવલિંગ પર જળાભિષેક કરવાથી ભોલેનાથ ખૂબ જ ઝડપથી ભક્ત પર પોતાના આશીર્વાદ વરસાવે છે.


* શિવપુરાણ અનુસાર શિવલિંગને ઘરમાં સ્થાપિત કરવાથી કોઈ દોષ નથી, પરંતુ ધ્યાન રાખો કે ઘરમાં હાથના અંગૂઠાના પહેલાં ભાગથી મોટું શિવલિંગ રાખવું જોઇએ નહીં. ખૂબ મોટા કદના શિવલિંગની પૂજા કરવાથી અશુભ ફળ મળે છે. મોટું શિવલિંગ માત્ર મંદિરોમાં જ સ્થાપિત કરવું જોઈએ, ઘર માટે નાનું શિવલિંગ શુભ રહે છે. શિવ પુરાણ અનુસાર, શિવલિંગ સાથે જ ગણેશજી, દેવી પાર્વતી, કાર્તિકેય સ્વામી અને નંદીની નાની પ્રતિમા પણ રાખવી જોઈએ.


* ભગવાન શિવનો જળાભિષેક કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર સ્ટીલ કે લોખંડના વાસણથી જળાભિષેક ન કરવો જોઈએ. આ અશુભતાનો સંકેત આપી શકે છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર તાંબાના વાસણથી જ જળાભિષેક કરવો વધુ સારું છે, જો તાંબાનું વાસણ ઉપલબ્ધ ન હોય તો પિત્તળના વાસણનો પણ ઉપયોગ કરી શકાય છે.


* ઘરમાં શિવલિંગની સ્થાપના કરતા પહેલા જળાભિષેક તમારા ચહેરાને ઉત્તર દિશા તરફ રાખીને કરો. આનાથી વિપરીત ભૂલથી પણ પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફ મુખ કરીને શિવલિંગનો જળાભિષેક ન કરવો જોઈએ. નિયમિત રીતે જળાભિષેક કરવાથી ભગવાન શિવની સાથે સાથે માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.


* ઘરમાં ભગવાન શિવની મૂર્તિ કે પ્રતિમા લગાવતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે ભગવાન શિવની તસવીર કે પ્રતિમા ક્રોધિત મુદ્રામાં ન હોય. આવા ચિત્રો અથવા મૂર્તિઓના કારણે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા અને વિખવાદ થાય છે


* મહાશિવરાત્રીના દિવસે જળાભિષેક કરતા પહેલા શિવલિંગને થાળીમાં રાખો, જળાભિષેકનું પાણી અથવા દૂધ, દહીં જે થાળીમાં પડે છે તેને ફ્લાવર પોટમાં નાખો.