આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો. ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે પવિત્ર શ્રાવણ માસનો એક સપ્તાહ વહેલો શરૂ થયો હતો. આજથી શિવાલયો હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠશે.  આ વર્ષે ચાર સોમવાર આવશે.  શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવ, ઘેલા સોમનાથ મહાદેવ સહિતના અનેક પ્રાચીન દેવાલયોમાં ભક્તોની ભીડ જામશે. એક મહિના દરમિયાન વિશેષ પૂજન- અચર્ન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.

અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજથી શરૂ થયેલો શ્રાવણ મહિનો 23 ઓગષ્ટના અમાસના દિવસે પૂર્ણ થશે. સોમનાથ ટ્રસ્ટ તરફથી શ્રાવણ માસમાં આવી ન શકનારા દર્શનાર્થીઓ માટે ઓનલાઈન પૂજાની પણ વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટને એક મહિના દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાનો અંદાજ છે. ત્યારે યાત્રિકોની રહેવા, ભોજન અને દર્શન માટે સૂચારૂ વ્યવસ્થા ઉભી કરાઈ છે. સોમનાથ મહાદેવ મંદિરના સમયમાં શ્રાવણ મહિનાને લઈ ફેરફાર કરાયો હતો. દર સોમવાર અને અમાસના દિવસે વહેલી સવારે 4 વાગ્યે મંદિર ખુલશે. જ્યારે અન્ય દિવસોમાં સવારે સાડા પાંચ વાગ્યે મંદિર ખુલશે.                                                                 

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને સોમનાથ આવનારા તેમજ ન આવી શકનારા દર્શનાર્થીઓ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સોમનાથ આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમપૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.  વધારે માત્રામાં આવનારા યાત્રીઓ માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તો ન આવી શકનારા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન પૂજાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.