Gujarat Rain Forecast: રાજયમાં છેલ્લા કેટલાક સમયથી મોનસૂન પર બ્રક લાગી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. જેથી ખેડૂતો ચિંતિત છે. પરંતુ રાહતની વાત એ છે કે, 16 ઓગસ્ટથી ફરી સારા વરસાદનું અનુમાન છે.
અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેની અસરથી ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થયું છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એકિટવ થવા જઇ રહી છે. જેની અસરથી ગુજરાતમાં 16 ઓગસ્ટ બાદ સારો વરસાદ વરસશે, હવામાન વિભાગની આગાહી મુજબ આ રાઉન્ડમાં 16 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે. ટૂંકમાં કહીએ તો ઓગસ્ટના મધ્યમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.
આગામી 24 કલાકમાં રાજ્યમાં કયાં વરસશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગના આંકલન મુજબ 12 ઓગસ્ટથી ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જોર વધશે.
રાજ્યના કયા જિલ્લામાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે જ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ શરૂ થઇ ગયો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે બંને જિલ્લા નવસારી, વલસાડ, સુરત અને તાપી, નર્મદા, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દમણ અને દાદરાનગરમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે. આ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે અમરેલીઅને ભાવનગરમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં ફરી એકવાર મોનસૂન એક્ટિવ થતાં આગામી દિવસમો પણ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 16 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગને આવરી લેતી મેઘમલ્હાર જોવા મળે તેવા સંકેત છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 12થી 14 ઓગસ્ટ સુધી ભારે પવનની સાથે વરસાદની શક્યતાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે.