Janmasthami 2024: આજે ભગવાન શ્રીકૃષ્ણનો 5251મો જન્મોત્સવ છે. સવારથી જ મંદિરોમાં કૃષ્ણ જન્માષ્ટમીની તૈયારીઓ ચાલી રહી છે, ભજન કીર્તન થઈ રહ્યા છે, મંદિરને સજાવવામાં આવી રહ્યું છે. હવે તે ઘડીની અધીરાઈથી રાહ જોવાઈ રહી છે જ્યારે કાન્હા અવતરિત થશે.
દ્વાપર યુગમાં ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ મધ્યરાત્રિએ શ્રીકૃષ્ણે જન્મ લીધો હતો. આજે રાત્રે પણ કાન્હાના જન્મ જેવો શુભ સંયોગ બનશે, જ્યોતિષીઓના અનુસાર આ દુર્લભ સંયોગમાં કાન્હાની પૂજા કરનારાઓ પર બાલ ગોપાલની કૃપા વરસશે.
આજે રાત્રે દુર્લભ સંયોગ
જન્માષ્ટમી પર છ તત્વોનું એક સાથે મળવું ખૂબ જ દુર્લભ હોય છે. આ છ તત્વો છે ભાદ્ર કૃષ્ણ પક્ષ, અર્ધરાત્રિ કાલીન અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર, વૃષ રાશિમાં ચંદ્રમા, આની સાથે સોમવાર અથવા બુધવારનું હોવું. આ શુભ વેળાને કારણે આજે જન્માષ્ટમીનું મહત્વ બમણું થઈ ગયું છે, આ દરમિયાન બાલ ગોપાલની પૂજા કરનારાઓને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થશે.
જન્માષ્ટમી 2024 પર દ્વાપર યુગ જેવો સંયોગ
હિન્દુ પંચાંગ અનુસાર જન્માષ્ટમી પર આજે ચંદ્રમા પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં રહેશે, આ દરમિયાન અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર પણ વિદ્યમાન હશે. કહેવાય છે કે દ્વાપર યુગમાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે પણ આવો જ યોગ બન્યો હતો.
આ ઉપરાંત જન્માષ્ટમી પર સર્વાર્થ સિદ્ધિયોગ, ગુરુ તથા મંગળ સાથે ગજ કેસરી યોગ અને મહાલક્ષ્મી યોગ બની રહ્યા છે.
જન્માષ્ટમી પર આ શુભ સંયોગ 26 ઓગસ્ટે મોડી રાત્રે 12.01 - 12.45 સુધી રહેશે. કાન્હાની પૂજા માટે આ સૌથી શુભ મુહૂર્ત છે.
કાન્હાના જન્મ સમયે શું થયું હતું
મહાઅત્યાચારી રાજા કંસની બહેન દેવકીનાં લગ્ન યદુવંશી રાજા વાસુદેવ સાથે થયાં હતાં. કંસ પોતાની બહેન અને તેમના પતિને પોતાના રાજ્યમાં લઈને આવી રહ્યો હતો, ત્યારે આકાશવાણી થઈ કે 'એક દિવસ દેવકી અને વાસુદેવની 8મી સંતાન કંસનો વધ કરશે.' આ સાંભળતાં જ મથુરામાં કંસે બંનેને કારાગારમાં નંખાવી દીધા. કાલ કોઠરીમાં કંસે દેવકી વાસુદેવજીની 7 સંતાનોને મારી નાખ્યા.
જન્માષ્ટમીના દિવસે જ્યારે રાત્રે 12 વાગ્યે આઠમી સંતાન શ્રીકૃષ્ણનો જન્મ થયો ત્યારે કારાગારના બધા તાળા તૂટી ગયા હતા અને કારાગારની સુરક્ષામાં ઊભેલા બધા સૈનિકો ઊંડી નિંદ્રામાં સૂઈ ગયા. આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ ગયા, ભારે વરસાદ થવા લાગ્યો અને વીજળી ચમકવા લાગી.
આ દરમિયાન વાસુદેવ કાન્હાને નંદબાબા પાસે છોડવા માટે યમુના પાર કરતા લઈ ગયા. વરસાદથી શ્રીકૃષ્ણની રક્ષા કરવા માટે સ્વયં કાલિયા નાગ છત્ર બનીને નદીમાં આવી ગયા.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.