Janmashtami 2023: આજે જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મથુરા-વૃંદાવનથી લઈને દેશના વિવિધ રાજ્યોમાં સવારથી મંદિરોમાં હરે રામ-હરે કૃષ્ણના નારા ગૂંજી રહ્યા છે. શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.


આજે શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના કૃષ્ણ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ જ દ્વારકાનગરી જાણે કૃષ્ણમય બની ગઈ હતી. ભક્તિમય માહોલ વચ્ચે આજે જય દ્વારકાધીશનો નાદથી આજે દ્વારકા ગૂંજી ઉઠશે.


ભગવાન કૃષ્ણના જન્મોત્સવને વધાવવા ભક્તો અધીરા બન્યા છે. આ તરફ યાત્રાધામ ડાકોરમાં પણ ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. ડાકોર મંદિરને ભવ્ય રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. આ તરફ શામળાજી મંદિરમાં પણ ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની જનમેદની ઉમટી પડી હતી. આજે જન્માષ્ટમી નિમિતે મંગળા આરતી અને મટકી ફોડ સહિતના અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.


જગતમંદિર દ્વારકામાં પણ ધામધૂમથી કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જગતના નાથને કેસરિયા વાઘા પહેરાવામાં આવશે. જગત મંદિર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનો આજે પાંચ હજાર 250માં જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થશે.  નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠશે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ગામેગામ કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, વેરાવળ સહિતના શહેરોમાં શોભાયાત્રા નીકળશે.


આ વર્ષે જન્માષ્ટમી, ગોકુળઅષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મ મહોત્સવ તારીખ ૭ સપ્ટેમ્બર ગુરૂવારના રોજ ઉજવવામાં આવશે, વૈદિક કેલેન્ડર મુજબ, કૃષ્ણ જન્માષ્ટમીના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ ૬ સપ્ટેમ્બરના રોજ બપોરે ૩:૨૭ PM થી શરૂ થશે અને ૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૪:૧૪ કલાકે સમાપ્ત થશે શાસ્ત્ર અનુસાર સૂર્યોદય વ્યાપીની તિથિ જોઈએ તો 7 સપ્ટેમ્બરના રોજ સૂર્યોદય સમયે આઠમ તિથિ જ છે, જેના કારણે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ૭ સપ્ટેમ્બર ૨૦૨૩, ગુરુવારના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે, કેમકે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના રોજ રાતે ૧૨ વાગે થયેલ થયેલો હતો માટે આજ દિવસે જન્માષ્ટમી ઉજવાશે અને નોમના પારણાં તારીખ ૮ સપ્ટેમ્બર શુક્રવારના રોજ કરવામાં આવશે