કુંભ રાશિ: વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથા ભાવે ભ્રમણ કરશે. જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભના યોગ ઊભા કરે છે, સફળતા પ્રાપ્તિ કરાવે. કૌટુંબિક જીવનમાં પણ ખૂબ લાભ અપાવે, જમીન મિલકત પ્રોપર્ટીથી પણ ફાયદો થશે. તા. 14 5-2025 થી ગુરૂ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં આવશે, જે સુખ સફળતાના યોગ ઊભા કરે, સંતાન પ્રાપ્તિના યોગ થાય, બાળકોના પ્રશ્નો હલ થાય, ધાર્મિક યાત્રા મુસાફરીના યોગ બનશે.
વર્ષની શરૂઆતમાં કુંભના શનિથી પનોતીનો બીજો તબક્કો તાંબાના પાયે છાતી પરથી પસાર થશે. જે વેપાર ધંધા નોકરી માટે લક્ષ્મીદાયક કે ધન દાયક ગણી શકાય. પનોતી હોવાથી શારીરિક માનસિક ચિંતા અને બેચેની સમય સમયે રહ્યા કરે. રોકાયેલા કાર્યોમાં ધીમી ગતિએ સફળતા મળે પનોતીનો સમય છે બને તેટલી વધારે શનિની ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી. જેનાથી વધુ લાભ રહે. તકલીફ ઓછી પડે.
તા. ૨૯-૦૩-૨૫ થી શનિ તમારી રાશિથી બીજા ધન ભાવે આવશે. અહીં તમારી સાડાસાતી પનીતીનો ત્રીજો અને છેલ્લો તબક્કો રૂપાના પાયે પગ પરથી પસાર થવાનો છે, જે પણ એકંદરે લાભદાયી રહેશે રોકાયેલા કાર્યોમાં સફળતા અપાવશે, વારસાગત લાભ અપાવે, જમીન મકાન પ્રોપર્ટીથી ધન લાભ થાય, શનિ ઉપાસના શરૂ રાખવી,વધુ ખર્ચને કારણે નાણાંકીય ખેંચ વધતી જણાય, જેથી ખર્ચ પર કાબુ રાખવો.
સ્ત્રીઓ માટે :- સ્ત્રીઓ માટે આ વર્ષે માનસિક શારીરિક રીતે મધ્યમ ગણાય,પરંતુ આર્થિક અને સુખની દ્રષ્ટિએ સારું ગણાય, પનોતી હોવા છતાં પણ ઘણા લાભ મળશે, શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરતા રહેવું. તેનાથી કૌટુંબિક સુખ અને ધનની પ્રાપ્તિ થશે, શારીરિક સમસ્યા દૂર થશે.
વિદ્યાર્થીનો માટે : આ વર્ષ એકંદરે વધુ મહેનત બાદ જ સફળતા મળશે. ઓછી મહેનત કરશો તો પરિણામ નબળું આવી શકે છે. માર્ક ઓછા રહેશે. ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જવામાં સંઘર્ષ બાદ સફળતા મળશે. એકંદરે વિદ્યા પ્રાપ્તિમાં સારી સફળતા મળશે.