Raksha Bandhan 2023: રક્ષાબંધનના તહેવાર પર શુભ મુહૂર્ત જોઈને જ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. આ વખતે રક્ષાબંધન પર પણ ભદ્રા હશે, તો રાખડી બાંધવાનું ક્યારે શુભ રહેશે?
દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો શુભ તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટ 2023 બંનેના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં રક્ષાબંધન પર્વ પર શુભ મુહૂર્ત જોઈને જ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. રાખડી બાંધવી એ માત્ર એક રિવાજ નથી પણ ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક છે.
એવું માનવામાં આવે છે કે, આ શુભ દિવસે જે બહેન પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે, તેમને અકાળ મૃત્યુ નથી આવતું તેમજ દિર્ઘાયુ અને સ્વસ્થ જીવનના આશિષ મળે છે. બહેનના દીલથી મળેલા આશિષથી ભાઇ જીવનમાં ઘણી પ્રગતિ પણ કરે . આ વખતે રક્ષાબંધન પર પણ ભદ્રા હશે, આવી સ્થિતિમાં બંને દિવસે રાખડી બાંધવાનું ક્યારે શુભ રહેશે, ચાલો જાણીએ શુભ મૂહૂર્ત અને વિધિ
રક્ષાબંધન પર ભદ્રા ક્યારે છે? (Raksha Bandhan 2023 Bhadra Kaal time)
શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 30મી ઓગસ્ટના રોજ સવારે 10.58 વાગ્યાથી 31મી ઓગસ્ટના રોજ સવારે 07.05 વાગ્યા સુધી રહેશે. જો કે આ સાથે 30 ઓગસ્ટ, 2023 ના રોજ, ભદ્રા પણ છે. જે સવારે 10.58 થી શરૂ થઈ રહ્યી છે અને તે રાત્રે 09.01 સુધી છે. આવી સ્થિતિમાં, ભદ્રાની સમાપ્તિ પછી રાખડી બાંધવી શુભ રહેશે. આ દિવસે ભદ્રા પૃથ્વીમાં રહેશે, જે અશુભ માનવામાં આવે છે.
30 ઓગસ્ટ 2023 - શાસ્ત્રો અનુસાર, રક્ષાબંધનના દિવસે બપોરે રાખડી બાંધવી સૌથી શુભ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે 30 ઓગસ્ટે ભદ્રા સવારથી રાત સુધી રહેશે. આવી સ્થિતિમાં જે લોકો રાત્રે રાખડી બાંધવા માંગતા હોય તેઓ 09.02 મિનિટ પછી રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે છે.
31 ઓગસ્ટ 2023 - જે ઘરોમાં રાત્રીના સમયે રાખડીનો તહેવાર ઉજવવામાં આવતો નથી, તે લોકો 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા પહેલા રાખડી બાંધી શકે છે, કારણ કે આ પછી ભાદ્રપદની પ્રતિપદા તિથિ શરૂ થશે. અમૃત કાલ મુહૂર્ત સવારે 05:42 થી 07:23 સુધી છે. આ દિવસે સવારે સુકર્મ યોગ પણ બનશે, સાથે જ ભદ્રાનું વિઘ્ન પણ નહીં રહે.
રક્ષાબંધન પર રાખડી બાંધવાના નિયમો
રાખડી બાંધતા પહેલા બહેન ભાઈના કપાળ પર કુમકુમ તિલક અને અક્ષત લગાવવું જોઈએ. ભાઈઓએ આ સમય દરમિયાન પોતાના માથા પર રૂમાલ રાખવો જોઈએ.ધ્યાનમાં રાખો કે રાખડી ક્યારેય ખાલી અને ખુલ્લા હાથે ન બાંધવી જોઈએ. હંમેશા થોડા પૈસા અને અક્ષત હાથમાં રાખો અને તમારી મુઠ્ઠી રાખો. આમ કરવાથી ઘરમાં ધન-સંપત્તિ જળવાઈ રહે છે.
રાખડી બાંધ્યા પછી ભાઈએ પોતાની ક્ષમતા મુજબ બહેનને કંઈક ભેટ આપવી જોઈએ.બહેનને ખાલી હાથે ન જવા દેવી જોઇએ. આવું કરવાથી લક્ષ્મી નારાજ થાય છે.ભદ્રકાળમાં રાખડી ન બાંધો, ભાઈના જીવન પર તેની ખરાબ અસર પડે છે.
ભદ્રામાં રાખડી કેમ નથી બાંધતી ?
હિંદુ શાસ્ત્રો અનુસાર, એવું કહેવામાં આવે છે કે શૂર્પણખાએ ભદ્રા કાળમાં જ તેના ભાઈ રાવણને રાખડી બાંધી હતી, જેના કારણે રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો. તેથી જ એવું માનવામાં આવે છે કે ભદ્રાકાળ દરમિયાન બહેનોએ રાખડી ન બાંધવી જોઈએ. એવું પણ કહેવાય છે કે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી ભાઈની ઉંમર ઓછી થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો