Shrawan 2025: શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે. શ્રાવણ માસો પ્રારંભ 25 જુલાઇ શક્રવારથી થયો અને આજે 28 જુલાઇએ શ્રાવણનો પ્રથમ સોમવાર છે. દરેક વાર દરેક દેવી દેવતાને સમર્પિત છે. સોમવાર મહાદેવને સમર્પિત છે. જેથી મહાદેવના પાવન શ્રાવણ માસમાં આવતા સોમવારનું પણ વિશેષ મહત્વ હોય છે. ઉલ્લેખિય છે કે, આ વખતે શ્રાવણ માસ 4 સોમવાર આવશે. બીજો સોમવાર 4 ઓગસ્ટે, ત્રીજો સોમવાર 11 ઓગસ્ટે અને આ વર્ષનો અંતિમ શ્રાવણનો સોમવાર 18 ઓગસ્ટે છે. આજે પ્રથમ સોમવારને લઇને રાજ્યના દરેક શિવાલયમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું છે. શ્રાવણના પ્રથમ સોમવારે હર હર મહાદેવના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યાં છે.
પ્રથમ જ્યોતિર્લિગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં પણ આજે મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી દર્શન માટે પહોંચ્યાં હતા. સવારથી અહીં દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. આ સિવાય પણ નાગેશ્વર મહાદેવ, ઘેલા સોમનાથ, જડેશ્વર મહાદેવ, ભવનાથ, એમ દરેક શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર વહેલ સવારથી જ ઉમટયું છે.
વડોદરામાં પણ શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવજી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. હરણી વિસ્તારનું મોટનાથ મંદિર કે જ્યાં સૌથી મોટા શિવલિંગની સ્થાપના થઈ છે. વહેલી સવારથી જ ભક્તો દર્શને પહોંચી રહ્યા છે.લોકવાયકા છે કે રામચંદ્ર ભગવાન અહીંયા આવ્યા હતા અને તે બાદ મંદિરની સ્થાપના થઈ હતી.વરસતા વરસાદમાં પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ મોટનાથ મંદિરે જોવા મળી રહી છે.
શ્રાવણના સોમવારનું મહાત્મ્ય
શ્રાવણ મહિનામાં સોમવારનું જ્યોતિષીય મહત્વ - ભગવાન શિવ સોમ એટલે કે ચંદ્રને પ્રેમ કરે છે અને ચંદ્રનો સીધો સંબંધ મન, શાંતિ, સ્વાસ્થ્ય અને માનસિક સંતુલન સાથે છે, તેથી શ્રાવણ મહિનામાં સોમવારે ઉપવાસ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ જ નહીં, પણ ચંદ્ર ગ્રહની કૃપા પણ પ્રાપ્ત થાય છે.તેનાથી મન પ્રસન્ન રહે છે, વિચારોમાં શુદ્ધતા લાવે છે અને નિર્ણય લેવાની ક્ષમતાને તીક્ષ્ણ બનાવે છે.
શ્રાવણ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે અને સોમવાર તેમનો પ્રિય દિવસ છે. જ્યારે આ બંને સંયોગથી ભેગા થાય છે, શ્રાવણ અને સોમવાર, ત્યારે આ સમય શિવભક્તિ માટે ખૂબ જ શુભ અને ફળદાયી બને છે. આ ખાસ પ્રસંગે ભગવાન શિવની પૂજા, ઉપવાસ અને ધ્યાન કરવાથી માત્ર ઇચ્છાઓ જ પૂર્ણ થતી નથી, પરંતુ જીવનમાં ઘણી અવરોધો અને મુશ્કેલીઓનો પણ આપમેળે અંત આવે છે.