નવી  દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે નવા દાયકાનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. તેમણે અત્યાર સુધીનું સૌથી લાંબું ભાષણ આપ્યું હતું. પરંતુ આ બજેટને લઇને શેર માર્કેટમાં કડાકો થયો હતો. શેરમાર્કેટમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બજેટ પર પ્રતિક્રિયા આપતા બાયોકોન લિમિટેડના ચેરમેન અને એમડી કિરણ મજૂમદારે કહ્યું કે, માર્કેટને  મોટી જાહેરાતની આશા હતી પરંતુ બજેટમાં કોઇ એવી જાહેરાત કરવામાં આવી નથી. આ બજેટમાં મોદી સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઇનવેસ્ટમેન્ટ પર ભાર મુક્યો છે. એલઆઇસીનો મોટો હિસ્સો વેચવાની યોજના કોઇ સારું પગલું નથી.


તેમણે કહ્યું કે, જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જેટલા ખર્ચની જાહેરાત કરવામાં આવી છે તે પુરી થાય છે તો રોજગાર પેદા થશે પરંતુ બજેટની જાહેરાતોથી માંગ પર કોઇ વધુ અસર નહી થાય. સમસ્યા જેટલી મોટી છે તે હિસાબે બજેટમાં રોકાણની જાહેરાત કરવામાં આવી નથી. એવામાં પાંચ ટ્રિલિયનની ઇકોનોમીનું લક્ષ્ય પુરુ થઇ શકશે નહીં.

હીરાનંદાની ગ્રુપના ફાઉન્ડર અને એમડી નિરંજન હીરાનંદાનીએ કહ્યું કે, નાણામંત્રીએ બજેટમાં ઇકોનોમીનું સ્પષ્ટ માળખું આપ્યું છે પરંતુ તમામ સેક્ટરને આપવામાં આવેલુ ફંડ પુરતું નથી. નોંધનીય છે કે નાણામંત્રી સીતારમણે આજે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, અમારુ લક્ષ્ય દેશની સેવા કરવાનું છે.