Union Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે બજેટ રજૂ કરશે. તેઓ તેમના કાર્યકાળમાં ચોથુ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.આ બજેટમાં લોકોને અનેક આશાઓ છે. વ્યકિતગત કરદાતાઓને આશા છે કે સરકાર ટેક્સમાં રાહત આપશે. જેથી વધારે આવક તેમના હાથમાં આવે અને તે વધુ રોકાણ અને વધારે ખર્ચ કરી શકે.
ટેક્સ સ્લેબમાં શું થઈ શકે છે ફેરફાર
સામાન્ય માણસને આવકવેરામાં મુક્તિ મર્યાદા 2014માં બે લાખથી વધારીને 2.5 લાખ કરવામાં આવી હતી. જ્યારે 60થી વધુ અને 80થી ઓછી વયના નાગરિકો માટે ટેક્સ મુક્તિ મર્યાદા 2.5 લાખથી વધારીને 3 લાખ કરાઈ હતી. જે બાદ તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેથી નિષ્ણાતો આ વખતે પગારદાર વર્ગને ખુશ કરવા બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા 2.5 લાખથી વધારીને 3 લાખ કરવા સુધીની જાહેરાત થાય તેમ માની રહ્યા છે. સિનિયર સિટીઝન માટે મર્યાદા ત્રણ લાખથી વધીને 3.5 લાખ થઈ શકે છે.
હાલ બે ટેક્સ સ્લેબ છે
બજેટ 2020માં કેન્દ્ર સરકારે નવી ટેક્સ સિસ્ટમ દાખલ કરી છે. જેમાં નવી સિસ્ટમમાં ટેક્સનો દર 15 ટકા છે.
જૂનો ટેક્સ સ્લેબ
- 2.5 લાખ સુધી 0 ટકા
- 2.5 લાખ થી 5 લાખ 5 ટકા
- 5 લાખથી 10 લાખ 20 ટકા
- 10 લાખથી વધુ 30 ટકા
નવો ટેક્સ સ્લેબ
- 0 થી 2.5 લાખ 0 ટકા
- 2.5 થી 5 લાખ 5 ટકા
- 5 લાખ થી 7.5 લાખ 10 ટકા
- 7.5 લાખ થી 10 લાખ 15 ટકા
- 10 લાખથી 12.50 લાખ 20 ટકા
- 12.50 લાખથી 15 લાખ 25 ટકા
- 15 લાખથી વધુની આવક પર 30 ટકા
સામાન્ય જનતાને આ વખતના બજેટથી ઘણી આશાઓ છે. સામાન્ય લોકોથી માંડીને ઘર ખરીદનારાઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા હાલની કરમુક્તિ મર્યાદા વધારવાની માંગ છે. એબીપી લાઇવએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોલ કર્યો હતો. જેમાં તેઓએ હોમ લોનના વ્યાજ પર કર મુક્તિ અંગે સામાન્ય લોકોનો અભિપ્રાય જાણ્યો હતો...
પ્રશ્ન - હાલના રૂ. 2 લાખમાંથી હોમ લોનના વ્યાજ પર કર મુક્તિ મર્યાદા કેટલી વધારવી જોઈએ?
i) 2.5 લાખ
ii) 3 લાખ
iii) 5 લાખ
iv) ફેરફારની જરૂર નથી
68.9 ટકા લોકોએ કરી 5 લાખની તરફેણ
આ પોલમાં લગભગ 659 લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી 68.9 ટકા લોકો માને છે કે હોમ લોન પર વર્તમાન ટેક્સ લિમિટ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવી જોઈએ., 12.7 ટકા લોકો માને છે કે તેમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ, એટલે કે, આ મર્યાદા 2 લાખ પર સ્થિર રાખવી જોઈએ.
આ સિવાય 11.8 ટકા વાચકોનું માનવું છે કે આ મર્યાદા વધારીને 3 લાખ કરવી જોઈએ અને 6.5 ટકા લોકોનું માનવું છે કે સરકારે આ વખતના બજેટમાં આ મર્યાદા વધારીને 2.5 લાખ કરવી જોઈએ.