Union Budget 2023: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2023-24નું બજેટ લોકસભામાં રજૂ કરી રહ્યા છે. બજેટ ભાષણ દરમિયાન નિર્મલા સીતારમણે ગરીબોને મોટી રાહત આપી અને કહ્યું કે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને એક વર્ષ માટે લંબાવવામાં આવી રહી છે. એટલે કે, લોકો આગામી 1 વર્ષ માટે મફત રાશન લઈ શકશે.






શું છે PM ગરીબ કલ્યાણ યોજના


કોરોના મહામારી દરમિયાન ભારતના દરેક ઘરમાં કોઈને ભૂખ્યા ન સૂવું પડે તે ધ્યાનમાં રાખીને મોદી સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) શરૂ કરી હતી. જેમાં ગરીબ કે જરૂરિયાતમંદને 5 કિલો અનાજ મફત આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારની પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ 80 કરોડ ગરીબોને મફત રાશનનો લાભ આપવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર, 2022માં આ યોજનાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં સરકારે તેને વધુ લંબાવ્યો હતો.






કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે દેશની આઝાદીના સમયગાળાનું આ પ્રથમ બજેટ છે. બજેટમાં અમારી સરકારે દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. અમારો પ્રયાસ યુવાનો અને તમામ વર્ગના લોકોને આર્થિક મજબૂતી આપવાનો છે. વિશ્વમાં મંદી હોવા છતાં ભારતમાં વર્તમાન વિકાસ દર 7 ટકાની આસપાસ છે. પડકારોથી ભરેલા સમયમાં ભારત વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. દુનિયાભરના લોકોએ ભારતના વિકાસની પ્રશંસા કરી છે. આ બજેટ આગામી 25 વર્ષ માટે બ્લુ પ્રિન્ટ છે. કોરોના મહામારી સામે ચાલી રહેલા અભિયાને દેશને એક નવા સ્તરે લઈ ગયો છે અને દુનિયાએ ભારતની તાકાતને ઓળખી છે.






ઉલ્લેખનીય છે કે મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આગામી વર્ષે ચૂંટણી પહેલા મોદી સરકાર માત્ર પૂરક બજેટ રજૂ કરશે. ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દેશના કરોડો ખેડૂતોને ખુશ કરવાનો પૂરો પ્રયાસ કરશે.