Union budget 2024:   કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કર્યું. વડાપ્રધાન મોદીએ બજેટમાં કરેલી જોગવાઈઓ પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ બજેટ દેશને સમૃદ્ધિ તરફ લઈ જશે અને આ બજેટમાં સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 'આ એક એવું બજેટ છે જે તાકાત આપે છે. આ એક એવું બજેટ છે જે ખેડૂતો અને યુવાનોને પ્રગતિના પંથે લઈ જશે. 






વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું, કે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેમની આર્થિક પ્રગતિમાં સાતત્યતા માટે આ બજેટ છે. આ એક એવું બજેટ છે જે યુવાનોને અગણિત તકો આપશે. આ બજેટ મધ્યમ વર્ગને નવી તાકાત આપશે. તે આદિવાસી સમાજ, દલિતો અને પછાત લોકોના સશક્તિકરણ માટે મજબૂત યોજનાઓ સાથે આવ્યું છે. આ બજેટ મહિલાઓની આર્થિક ભાગીદારીને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.


વડાપ્રધાન મોદીએ કહ્યું, 'આ બજેટથી વેપારીઓ અને નાના ઉદ્યોગોને પ્રગતિનો નવો માર્ગ મળશે. બજેટમાં ઉત્પાદન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આનાથી આર્થિક વિકાસને વેગ મળશે અને ગતિ પણ જળવાઈ રહેશે. રોજગાર અને સ્વરોજગાર બનાવવો એ અમારી સરકારની ઓળખ રહી છે. આજનું બજેટ તેને વધુ મજબૂત કરે છે. વડાપ્રધાનના કહેવા પ્રમાણે, 'આ બજેટમાં સરકારે રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહનની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, અમારી સરકાર તેમના જીવનની પ્રથમ નોકરી મેળવનાર યુવાનોને પ્રથમ પગાર આપશે. સ્કીલ ડેવલપમેન્ટ અને હાયર એજ્યુકેશન માટે મદદ હોય કે એક કરોડ યુવાનો માટે ઈન્ટર્નશીપ સ્કીમ, તેનાથી યુવાનો, ગરીબોના , મારા દિકરા-દિકરીઓ દેશની ટોચની કંપનીઓમાં કામ કરશે. તેમના માટે સંભાવનાઓના નવા દરવાજા ખુલશે. 


પ્રધાનમંત્રીના કહેવા અનુસાર,  'આપણે દરેક શહેર, દરેક ગામ, દરેક ઘરમાં ઉદ્યોગસાહસિકો બનાવવાના છે. અમે ગેરંટી વિના મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી છે. તેનાથી પછાત લોકો, દલિતો અને આદિવાસીઓને ફાયદો થશે. આપણે સાથે મળીને દેશને ઔદ્યોગિક હબ બનાવીશું. દેશનું MSME સેક્ટર દેશનું કેન્દ્ર બની ગયું છે. નાના ઉદ્યોગોની મહાન શક્તિ એ આપણું મહત્વપૂર્ણ પગલું છે. આ બજેટમાં તેમના માટે ધિરાણની સરળતા વધારવાની વ્યવસ્થા કરવામાં આવી છે.