Kheda : મોબાઈલ ગેમ રમતા બે ભાઈઓમાં ઝઘડો થતા મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી નાખી છે. મોબાઈલ ગેમ રમવામાં મનદુઃખ થતા 16 વર્ષના કિશોરે કાકાના 11 વર્ષીય દિકરાની હત્યા કરી નાખી. આ ઘટના ખેડા તાલુકાના ગોબલજ ગામની છે. 16 વર્ષીય કિશોરે પોતાના પિતરાઈ ભાઈને પથ્થર મારી કૂવામાં ફેંકી દઈ હત્યાં કરી નાખતા ચકચાર મચી જવા પામી છે.
પહેલા માથા પર પથ્થરના ઘા માર્યા, બાદમાં બાંધીને કુંવામાં ફેંક્યો
મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના અને ગોબલજ ગામમાં બ્લોક ફેક્ટરીમાં કામ કરતા એક પરિવારના બે પિતરાઈ સગીર ભાઈઓ ગત 22મી મેના રોજ સાંજે પાણીપુરી ખાવાનું કહી ઘરેથી નીકળ્યા હતા અને ગોબલજ ગામની સીમમાં ONGC વેલ પાસે બેસી બંને ભાઇ વારફરતી મોબાઈલમાં ફ્રી ફાયર રમતા હતા.
આ દરમિયાન ગેમ રમતા 11 વર્ષીય સગીરે પોતાના કાકાના દીકરા 16 વર્ષીય સગીરને ફોન ન આપતા 16 વર્ષીય સગીર ઉશકેરાઈ ગયો હતો અને પોતાના કાકા ના દીકરાને માથાના ભાગે પથ્થર મારી દેતા નાનો ભાઈ બેભાન થઇ ગયો હતો જેથી 16 વર્ષીય સગીરે પોતાના નાના ભાઈને તારથી બાંધી દઈ પાસે અવાવરુ કુવામાં નાખી કોઈને પણ જાણ કર્યા વિના રાજસ્થાન પહોંચી ગયો હતો.
ડીકંપોસ્ટ હાલતમાં મળ્યો મૃતક કિશોરનો મૃતદેહ
ઘરેથી નીકળેલા આ બંન્ને પિતરાઈ કિશોરો મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યા નહોતા. તેથી પરિવારજનોએ શોધખોળ આદરી હતી.દરમિયાન 16 વર્ષિય કિશોર રાજસ્થાન માં હોવાની ભાળ મળતાં તેણે પોતાના પરિવાર સામે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જેમાં આ કિશોરે પોતાના પિતરાઈ ભાઈની હત્યા કરી દીધી હોવાનું જણાવ્યું હતું. જેથી આરોપી સગીરે કરેલા ખુલાસાની જાણ ખેડા ટાઉન પોલીસ મથકે કરવામાં આવતા ગત રાત્રીએ મૃતકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહ ડીકંપોસ્ટ હાલતમાં હોવાથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર ને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.