અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાત અને મુંબઈમાં વેપારીઓ સાથે ઠગાઈ આચરતા બે શખ્સોને કચ્છના ભુજ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ છેલ્લા સાતેક વર્ષથી વેપારીઓને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા.

Continues below advertisement

પકડાયેલા આરોપીઓમાં જગદીશભાઈ રસિકલાલ મણીલાલ ઠક્કર (ઉ.વ. 36) અને મુકેશ પરસોત્તમભાઈ ચેલારામ સોરઠીયા (ઉ.વ. 37)નો સમાવેશ થાય છે. બંને ભુજ, કચ્છના રહેવાસી છે અને વેપારના નામે અલગ અલગ વેપારીઓ સાથે સંપર્ક કરી ઠગાઈ આચરતા હતા. પોલીસના જણાવ્યા  મુજબ આરોપીઓ ગૂગલ અને યુટ્યુબ પરથી વેપારીઓના મોબાઇલ નંબર મેળવી પહેલા વેપારી તરીકે સંપર્ક કરતા હતા. ત્યારબાદ માલના ફોટોગ્રાફ મંગાવી માલ પસંદ કરી બિલ તૈયાર કરાવતા હતા. બિલ બન્યા બાદ તેઓ ઓનલાઇન પેમેન્ટ ન થઈ શકવાની વાત કરી આંગડિયા મારફતે રકમ મોકલ્યાનું કહેતા હતા. બાદ ફરી બીજો કોલ કરીને ડબલ પેમેન્ટ ભૂલથી આવી ગયું હોવાનું કહીને પરત કરવાની વિંનતી કરીને આ રીતે ગોલમાલ કરીને વ્હોલસેલના વેપારીને છેતરતા હતા. 

Continues below advertisement

આ પણ વાંચો:મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!

આરોપીઓએ સમગ્ર ગુજરાતમાં મોબાઇલ એસેસરીઝ, કાજુ-બદામ, ઘડિયાળ, કપડા, કટલરી સામાન, નટ-બોલ્ટ, બેલ્ટ, કિચન સામાન સહિત વિવિધ વસ્તુઓના વેપારીઓ સાથે છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મુંબઈમાં અંદાજે એક કરોડ રૂપિયાના માલ સાથે પણ ઠગાઈ કર્યાનો ખુલાસો થયો છે.

કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 316(2), 319, 318(2), 54 તથા IT Actની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરાંત કાલુપુર પોલીસ સ્ટેશનમાં પણ તેમના વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે.પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ એસેસરીઝ અને રોકડ મળી કુલ રૂ. 27,250નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કાગડાપીઠ પોલીસે વેપારીઓને અપીલ કરી છે કે, અજાણ્યા લોકો સાથે વેપાર કરતા પહેલા તેમની સંપૂર્ણ ખાતરી કરે, ઓનલાઇન પેમેન્ટની ચકાસણી કરે અને અંગડિયા પેઢીમાંથી ફોન આવે તો રૂબરૂ જઈ ખાતરી કરે કે ખરેખર પેમેન્ટ આવી ગયું છે કે નહિ. . સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોએ તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે.