બનાસકાંઠા: બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપૂરામાં કારમાં સળગાવેલી લાશ મળી આવી હતી. હવે આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. હોટલમાં કામ કરતા વિરમપુરના ગુમ ઇસમની લાશને સળગાવી દેવાઇ હોવાનું સામે આવ્યું છે. વડગામ પોલીસે કાર માલિક સહીત છ શખ્સો સામે ફરિયાદ નોંધી પાંચ શખ્સોની અટકાયત કરી છે. જ્યારે મુખ્ય આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ કેસમાં નવો વળાંક આવ્યો સામે
વડગામ તાલુકાના ધનપુરામાં 10 દિવસ પહેલા એક સળગેલી કારમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું. જેમાં કાર માલિક ઢેલાણાં ગામના દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા મૃતક ઇસમને સ્મશાનમાંથી બહાર કાઢી વીમો પાસ કરાવવા લાશને સળગાવી દેવાઇ હોવાની આશંકા વચ્ચે નવો વળાંક આવ્યો છે.
જેમાં કાર માલિકની હોટલમાં કામ કરતા અમીરગઢ તાલુકાના વિરમપૂરના ગુમ ઇસમ રેવાભાઈ ગામેતીની હત્યા કરી લાશને સળગાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે મહત્વની વાત કરવામા આવે તો પાલનપુર તાલુકાના ઢેલાણા ગામના દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનજી પરમાર(રાજપુત) દ્વારા હોટલ શરૂ કર્યા બાદ નુકસાન થતાં 1,26 કરોડનો વીમો લીધો હતો જે વીમો પાસ કરાવવા માટે આ સમગ્ર કારસ્તાન રચવામાં આવ્યું હતું.
જ્વલનશીલ પદાર્થથી કારમાં આગ લગાડી
જોકે કારમાં સળગી ગયેલી હાલતમાં મળી આવેલ કંકાલને લઈ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસમાં એલ.સી.બી. અને એસ.ઓ.જી. ની અલગ-અલગ ટીમો બનાવી ટેકનીકલ એનાલીસીસ તેમજ હ્યુમેન સોર્સ આધારે શકમંદ ઇસમોને લાવી પુછપરછ માં જાણવા મળેલ કે ગાડી માલીક દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ અને અન્ય પાંચ લોકોએ ભેગા મળી અને તેમની હોટલમાં જ કામ કરતા વિરમપુરના રેવાભાઇ ગામેતીને ઘરેથી લઈ જઈ અને ત્યારબાદ તેમની હત્યા કરી અને તેને કારમાં નાખી જ્વલનશીલ પદાર્થથી કારમાં આગ લગાડી હતી.
હવે આ હત્યાનો ભેદ ઉકેલાયા બાદ વડગામ પોલીસ મથકે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ સહિત લોકો સામે ગુનો નોંધાયો છે જેમાં પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સામે ગુનો નોંધવામા આવ્યો છે.
(૧) દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનજી પરમાર (રાજપુત) રહે.ઢેલાણા તા.પાલનપુર
(૨) મહેશજી નરસંગજી મકવાણા રહે.ઢેલાણા તા.પાલનપુર
(૩) ભેમાજી ભીખાજી રાજપુત રહે.ઘોડીયાલ તા.વડગામ
(૪) સેધાજી ધેમરજી ઉર્ફ ધિરાજી ઠાકોર રહે.ઘોડીયાલ તા.વડગામ
(૫) દેવાભાઇ લલ્લુભાઇ ગમાર રહે.ખેરમાળ તા.દાંતા હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ
(૬) સુરેશભાઇ બાબુભાઇ બુંબડીયા રહે.વેકરી તા.દાંતા હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ
પાંચ આરોપીઓની અટકાયત
પોલીસ દ્વારા પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જ્યારે મુખ્ય આરોપી દલપતસિંહ ભગવાનસિંહ પરમાર ઝડપી લેવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. જો કે આ સમગ્ર ઘટનામાં હજુ પણ ભગવાનસિંહની ધરપકડ થયા બાદ જાણવા મળશે કે સમગ્ર કારસ્તાન રચવાનું કારણ શું હતું.