વડોદરાઃ જાણીતા બિલ્ડર અને કાન્હા ગ્રુપ સાથે સંકળાયેલ નવલ ઠક્કર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.  નવલ ઠક્કર નામના ઈસમ વિરુદ્ધ જે. પી. રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ. નવલ ઠક્કર પરિણીત અને એક સંતાનનો પિતા છે. યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. છેલ્લા એક વર્ષ દરમ્યાન પોતાનાથી અડધી  ઉંમરની યુવતીને અલગ અલગ સ્થળોએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. 


અગાઉ પણ નવલ ઠક્કરને યુવતીના પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા ચેતવણી આપવા છતાં સંપર્ક ચાલુ રાખતા આખરે યુવતીના પિતાએ નવલ ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. દુષ્કર્મનો કેસ નોંધાતા નવલ ઠક્કર ભૂગર્ભ માં ઉતરી ગયો છે. દુષ્કર્મ કેસના આરોપી નવલ ઠક્કરને ઝડપી પાડવા પોલીસ ની જુદી જુદી ટીમો બનાવાઈ.


આ અંગેની વધુ વિગતો એવી છે કે, બિલ્ડરે 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી પોતાના ઘરે અવાર-નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. બિલ્ડરે યુવતીના ન્યૂડ ફોટા પાડી લીધા હતા અને પિતા વિરુદ્ધ લેટર પણ લખાવી લીધી હતા. ફરિયાદમાં જણાવાયું છે કે, બિલ્ડર છેલ્લા એક વર્ષથી ફરિયાદીના ઘરે આવતો હતો. દરમિયાન તેણે યુવતી પર નજર બગાડી હતી. પિતાને છ મહિના પહેલા આશંકા જતાં તેમણે બિલ્ડરને પોતાના ઘરે આવવાની ના પાડી દીધી હતી. તેમજ દીકરી સાથે સંપર્ક ન રાખવા પણ કહી દીધું હતું. 


જોકે, બિલ્ડર યુવતી સાથે મોબાઇલ પર વાત કરતો હતો. તેમજ યુવતી ટ્યુશન ક્લાસ જાય તો ત્યાંથી કારમાં બહાર લઈ જતો હતો. આ અંગે પિતાને 15 દિવસ પહેલા જાણ થતાં તેઓ ચોંકી ગયા હતા. તેમણે સમાજના લોકોને સાથે રાખી બિલ્ડરના ઘરે જઈ દીકરી સાથે સંબંધ ન રાખવા સમજાવ્યો હતો. આ સમયે બિલ્ડરે ફરિયાદીની દીકરી સાથે ખરાબ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું તેમજ હવે પછી તેની સાથે વાત નહીં કરે તેમ કહ્યું હતું. 


દરમિયાન બે દિવસ પહેલા યુવતીના પિતાને દીકરીનો મોબાઇલ મળી આવ્યો હતો. આ અંગે પૂછતાં બિલ્ડરે મોબાઇલ લઈ આપ્યો હોવાનું જણાવ્યું હતું. મોબાઇલ તપાસતા દીકરીના અશ્લીલ ફોટો હતા. જે જોઈ પિતા ચોંકી ગયા હતા. આ સિવાય દીકરીએ પિતા વિરુદ્ધ એક લેટર લખ્યો હતો, જેનો ફોટો પણ પિતાને મળી આવ્યો હતો. જેથી પિતાએ આ અંગે પૂછપરછ કરતાં બિલ્ડર છેલ્લા છ મહિનાથી લગ્નની લાલચ આપી તેના મકાને લઈ જઈ પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. તેણે પોતાની સેફ્ટી માટે લેટર પણ લખાવ્યા હોવાનું પિતાને જણાવ્યું હતું.