ભરુચ:  ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં હચમચાવી નાખતી ઘટના બની છે.  અહીં છઠ પૂજા દરમિયાન બાળક ગુમ થયું હતું. ગુમ થયેલા બાળક અંગે પરિવારજનોએ અપહરણનો ગુનો દાખલ કરાવ્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતાં બાળકનો મૃતદેહ પડોશીના જ ઘરમાંથી મળી આવ્યો હતો. પડોશીએ બાળકને મોતને ઘાટ ઉતાર્યો હતો. પાડોશીએ બાળકના મૃતદેહને લોખંડની પેટીમાં બંધ કર્યો હતો. આરોપી આર્મીમાં ફરજ બજાવતો હોવાની વિગતો સામે આવી છે. પોતાના પર શેર બજારમાં દેણુ થઈ જતા ખંડણી માટે બાળકની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. 


CRPFના કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી


ભરુચના અંકલેશ્વરમાં બાળકની હત્યાના આરોપમાં CRPFના કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની છે. ગત ગુરૂવારે છઠ પૂજાના દિવસે 8 વર્ષીય શુભ રાજભર નામનો બાળક બપોરના અચાનક ગુમ થઈ ગયો હતો.  પહેલાં તો પરિવારજનોએ ઘરની આસપાસ શુભની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તે ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી.  પોલીસે પણ સોસાયટીમાં આવી બાળકની શોધખોળ શરૂ કરી હતી.  આ દરમિયાન પોલીસને પાડોશમાં જ રહેતા શૈલેન્દ્ર રાજપૂત નામના શખ્સ પર શંકા ગઈ હતી. 


શેરબજારમાં 5 લાખનું દેવું થઈ ગયું હતું


પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું કે, તેણે જ શુભની હત્યા કરી નાખી છે. આરોપી શૈલેન્દ્ર રાજપૂત CRPFમાં કોન્સ્ટેબલ છે અને મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં ફરજ બજાવે છે.  હાલમાં જ તે રજા લઈ અંકલેશ્વર ઘરે આવ્યો હતો. આરોપી શૈલેન્દ્ર રાજપૂતને શેરબજારમાં 5 લાખનું દેવું થઈ ગયું હતું. સામે લોન પણ ચૂકવવાની હતી. આ કારણોસર તેણે પાડોશમાં જ રહેતા શુભનું અપહરણ કરી ખંડણીનો પ્લાન બનાવ્યો હતો.  શુભને લલચાવીને પોતાના ઘરે લઈ ગયો હતો. બાદમાં શુભના મોંઢા પર સેલોટેપ લગાવી હતી અને દોરડાથી બાંધી દીધો હતો.  લાંબો સમય સુધી બાંધી રખાતા શુભ બેભાન થઈ ગયો હતો અને અંતે તેનું મોત થયું હતું.  


શુભનું મોત થયા બાદ તેના મૃતદેહને લોખંડની પેટીમાં નાખી દીધો હતો.  ચોંકાવનારી વાત તો એ કે, શુભની હત્યા કર્યા બાદ તેના પર કોઈને શંકા ન જાય તે માટે પરિવારજનો સાથે તેની શોધખોળ પણ કરતો રહ્યો. એટલું જ નહીં  8 નવેમ્બરે તેણે વ્હોટ્સએપ પર શુભના પિતા પાસેથી ખંડણી માગી હતી.   પોલીસનું માનવું છે કે, ખંડણી માગી તેની પહેલાં જ શુભનું મોત થઈ ગયું હતું.