Crime News:  અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. મહિલાનું તેના જ પતિ દ્વારા છરીના ઘા ઝિંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, પતિએ ઘરકંકાસના કારણે તેમની પત્નીની હત્યા પોતે પણ આપઘાત કરી લીધો હતો. આરોપી પતિ પત્નીની હત્યા કરી અમરેલીથી જસદણ વિસ્તારમાં જતો રહ્યો હતો અને ત્યા ઝેરી દવા પી મોતને વ્હાલુ કર્યું હતું. ઘટનાની જાણ થતા અમરેલી સીટી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 


 લગ્નમાં નોનવેજ સાથે દૂધનો હલવો ખાતા 100થી વધુ લોકો બિમાર


રાજુલાના ડુંગર ગામે ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં નોનવેઝ બિરયાની અને દૂધનો હલવો બનાવ્યો હતો. 2500 ઉપરાંતનુ ભોજન સમારંભ રાખવામાં આવ્યું હતું. જે બાદ 100 જેટલા લોકોને હાલમાં અસર થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ડુંગર, રાજુલા, સાવરકુંડલા, મહુવા એમ અલગ અલગ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફૂટ પોઇઝનિંગની અસર થવાનો આંકડો હજુ પણ વધારે વધી શકે છે. આસપાસના સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોને હાજર રહેવા આરોગ્ય વિભાગે આદેશ જારી કર્યા છે. 


સાટા પ્રથામાં થરાદની પરિણીતાનો લેવાયો ભોગ


 સાટા પ્રથામાં થરાદ તાલુકાની આંતરોલ ગામની પરિણીતાનો ભોગ લેવાયો છે. મૃતક સોરમબેન નાઈ નામની મહિલાના લગ્ન સાટા પ્રથામાં થયા હતા. જોકે એ બાબતે વારંવાર મેણાટોણા અને વારંવાર ના ઝઘડાને લઈને મહિલાના સાસરીયાઓએ તેની હત્યા કરી દીધી હતી અને તેની લાશને તળાવમાં ફેંકી દીધી હતી. જો કે થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી સાસુ સસરા અને દિયરને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.


થરાદ તાલુકાના આંત્રોલ ગામના તળાવમાં મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થરાદ પોલીસને 26 મે એ થઈ હતી .ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળે મહિલાનો મોબાઇલ મળ્યો હતો અને તળાવમાંથી લાશ બહાર નીકાળી અને થરાદ રેફરલમાં પીએમ અર્થે મોકલી દેવાઇ હતી. જોકે પોલીસે ત્યારબાદ ત્રણ ટીમો બનાવી અને આ મહિલાની હત્યા અંગે તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસ તપાસમાં ગૃહ કલેશમાં મહિલાની હત્યા કરી દેવાઈ હોવાનું બહાર આવ્યું હતું.


26 મે આંત્રોલ ગામના તળાવમાંથી સૌરમબેન નાઈ નામની મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જો કે જિલ્લા પોલીસ વડાએ આ હત્યાની ઘટનાની ગંભીરતાને લઈને ત્રણ ટીમોની રચના કરી હતી અને થરાદ પોલીસની ત્રણ ટીમો આ હત્યાનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી. જો કે પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોને આધારે હત્યાનો ભેદ ઉકેલવાની કવાયત હાથ ધરી હતી ત્યારે શકમંદ એવા મૃતક મહિલાના સાસુ-સસરા અને દિયરની પોલીસે ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં થરાદ પોલીસને સફળતા મળી હતી. પોલીસ પુછપરછમાં મહિલાના હત્યારા એવા આરોપીઓએ મહિલાની હત્યા કરી દીધી હોવાની કબુલાત કરી હતી.