દાહોદ: દાહોદના સંજેલી બસ સ્ટેન્ડ નજીક ખુલ્લી જગ્યામાં ઝાડીમાંથી  નવજાત શિશુ  બાળકી  મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.  દાહોદજિલ્લાના સંજેલી ગામે બસ સ્ટેન્ડ સાઈડમા ઝાડી ઝાખરા વચ્ચે એક ખુલ્લા વિસ્તારમાંથી એક ત્યજી  દેવામાં આવેલ નવજાત શિશુ બાળકી  મળી આવી હતી. સવારે  અહીંથી પસાર થતા રોહિત ભાઈ અને સૂર્યાબેનની નજર પડતા  બાળકના રડવાનો  આવાજ આવતા ચોંક્યા હતા.   અહીં ખુલ્લામાં લાલા કાપડની થેલીમાં લપેટાઈ બાળકી ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવી હતી. થેલીમાંથી જીવતી નવજાત બાળકી  જોવા મળતા  તેમણે ઘટનાની જાણ તાત્કાલિક સંજેલી  પોલીસને કરવામાં આવી હતી. 


પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના અંગે 108ને જાણ કરવામાં આવતા  108 ઘટનાસ્થળે પહોંચી હતી.  બાળકીને સંજેલી સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.  બાળકીને વધુ સારવારની જરૂર હોય તેને 108ની મદદથી દાહોદ ઝાયડસ  હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. અહીં  બાળકીની સારવાર કરવામાં આવી હતી.  હાલ બાળકી સ્વસ્થ હોય પોલીસે બાળકીના  માતા-પિતાની શોધખોળ કરી હતી. બાળકી કેટલા દિવસની છે તેની તાપસ પણ કરાઈ રહી છે. 


હાલ તો બાળકી મળી આવવાને લઈ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. થોડા દિવસ આગાઉ  સંજેલીમાંથી  નવજાત  ભૃણ  મળી આવ્યું હતું.  જયારે આજે ફરી નવજાત બાળકી મળી આવવાની ઘટના બની છે.    


થોડા દિવસો પહેલા પણ નવજાત બાળક મળ્યું હતું


લીમડીના કંબોઈ નજીક ઝાડીમાંથી ત્યજી દેવામાં આવેલ નવજાત શિશુ  મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. રાતના અંધારામાં અહીંયાથી પસાર થતા લોકોને બાળકના રડવાનો અવાજ આવતા લોકો ચોંકી ગયા હતા. 


અંધારામાં આમ તેમ લોકો બાળકને શોધવા લાગ્યા હતા ત્યારે નજીકમાં આવેલી ઝાડીમાં નજર પડતા તેઓ ચોકી ઉઠ્યા હતા. બાળક જોવા મળતા તેમને ઘટનાની જાણ તાત્કાલિક લીમડી પોલીસને કરી હતી. લીમડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. લગભગ બે ત્રણ દિવસના આ ત્યજી દેવાયેલ જીવતા બાળકને  ઝાડી-ઝાખરા વચ્ચે કપડામાં વિટાળીને કોઈ મુકી ગયું હતું. જે બાદ તાત્કાલિક સારવાર માટે લીમડી અને ત્યાર બાદ દાહોદ ઝાયડસ  હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. 


પોલીસે ઝાડીમાંથી મળી આવેલા બાળકના  માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી.  ઉલ્લેખનીય છે કે, રાતના સમયે ઝાડીમાં નવજાત બાળકને ત્યજી દેનાર જનેતાની શોધખોળ હાથ ધરી હતી.  જોકે થોડા દિવસ આગાઉ પણ જિલ્લાના સંજેલીમાંથી નવજાત ભૃણ મળી આવ્યું હતું. જયારે દાહોદના છાપરી  હાઇવે નજીકથી પણ નવજાત બાળકી મળી આવી હતી. એક બાદ એક જિલ્લામાં આવી ઘટના બનતા જિલ્લામાં ચકચાર મચી છે. આવા કૃત્ય કરનારા સામે કડક પગલાં લેવા માગ પણ ઉઠી છે.