અમરેલી: સાવરકુંડલા તાલુકાના ચરખડિયા ગામનો ખેડૂત યુવક હનીટ્રેપમાં ફસાયો હતો.  એક મહિલા સહિત આઠ ઈસમો  સામે સાવરકુંડલા ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો છે.  પોલીસની ઓળખ આપી પૈસા પડાવવા આવેલી ગેંગ યુવકના ગામમાંથી પલાયન થઈ છે.  સાવરકુંડલા તાલુકાના ચરખડિયા ગામના ખેડૂત યુવકના ફેસબૂક મેસેન્જરમાં આરતી નામની મહિલાનો મેસેજ આવ્યો હતો. 


યુવકને તેમની કારમાંથી ઉતારી પાછળ બેસાડી તેના હાથમાં હથકડી પહેરાવી


હનીટ્રેપમાં ફસાયેલો યુવક યુવતી સાથે વાત કરવા લાગ્યો હતો ત્યારે આ મહિલા હાથસણી રોડ ઉપર આ યુવકને મળી હતી ત્યારે આ યુવક ધારગણી તરફ જતો હતો તે દરમિયાન આ યુવતીએ ખોડીના પાટિયા સુધી મૂકી જવાની વાત કરતા યુવકે ગાડીમાં બેસાડી હતી.  પાંચ કિલોમીટર દૂર પહોંચતા ચાર ફોરવ્હીલ આવી હતી. ત્રણ ગાડીમાંથી છ જેટલા લોકો નીચે ઉતરી યુવકની કાર પાસે આવી પહોંચ્યા હતા.  આ યુવકને પોલીસ હોવાની ઓળખ આપી તેમણે પોલીસ હોવાના આઈડી બતાવ્યા હતા. બાદમાં યુવકને ધમકાવીને તારી ગાડીમાં દારૂ ભરેલો છે તેવો રોફ જમાવીને ગાડી ચેક કરવા લાગ્યા બાદમાં મહિલાને બીજી ગાડીમાં બેસાડી દીધી હતી. આ યુવકને તેમની કારમાંથી ઉતારી પાછળ બેસાડી તેના હાથમાં હથકડી પહેરાવી દીધી હતી. યુવકને ગાળો આપી રેપના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી ગેંગ દ્વારા યુવક પાસેથી છ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. 


પોલીસને જાણ કરતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો


અંતે ત્રણ લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી.  ફરિયાદી પાસે પૈસા ન હોય માટે જમીનના 7/12 ઉપર અન્ય વ્યક્તિ પાસેથી પૈસા લઈને આપવાની વાત કરતા આ લૂટરુ ટોળકી સહમત થઈ હતી. આ ગેંગ યુવકના ગામ ચરખડિયા આવી હતી.  ફરિયાદીએ ચાલાકી વાપરી પોતાના ઘરની દીવાલ કૂદી નાસી છૂટ્યો હતો.  અન્ય વ્યક્તિના મોબાઈલમાંથી આજ ગામના સાંસદ નારણ કાછડીયાને કોલ કરી આપવીતી જણાવતા સાંસદે તાત્કાલિક પોલીસને જાણ કરતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો હતો. લૂંટારૂ ટોળકીને પોલીસ આવી ગઈ હોવાની જાણ થઈ જતા ટોળકી પલાયન થઈ ગઈ હતી.  બાદમાં યુવકે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત આઠ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial