સુરત: સુરતમાં હોળી પહેલાજ માથાકુટ શરૂ થઈ ગઈ છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં ધુળેટી પહેલા પાણી ભરેલા ફુગ્ગા મારવા બાબતે ઠપકો આપતા આ વાતની અદાવત રાખી એક યુવક પર ત્રણ જેટલા ઈસમો ચપ્પુ લઈ તૂટી પડયા હતા. જેમાં યુવકને ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  હાલ તો સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ત્રણ બાળકિશોર હુમલાખોરને ઝડપી પાડયા હતા.


ધુળેટીનો તહેવાર નજીક આવી ગયો છે. બુરા ના માનો હોલી હે કહી યુવાનો હોળીના પર્વની ઉજવણી કરતા હોય છે. પરંતુ અમુક સંજોગ એવા સર્જાય છે જેમાં લોકો વગર મતલબના અન્યને હેરાન કરી બબાલ કરતા હોય છે.  સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધુળેટી પહેલા પાણીના ફુગ્ગા મારવા બાબતે માથાકૂટ થઈ હતી. કાપોદ્રા વિસ્તારમાં આવેલ પૂર્વી સોસાયટીમાં વિક્રમ ગોંડલીયા નામનો યુવાન પસાર થતો હતો તે દરમિયાન બાળકોએ તેમના પર પાણી ભરેલા ફુગ્ગા ફેંક્યા હતા. જેથી વિક્રમ ગોંડલીયાના કપડા ખરાબ થતા બાળકોને ઠપકો આપવા ઉભા રહ્યા હતા તે દરમિયાન બાળકોએ તેમની પાસે રહેલું ચપ્પુ બહાર કાઢ્યું હતુ અને વિક્રમ ગોંડલીયાને હાથના ભાગે ચપ્પુ મારી દીધું હતું. અન્ય એક બાળકે ચાવી વડે મુક્કો માર્યો હતો. પાછળથી ત્રીજાએ છાતી પર વાર કર્યો હતો. યુવાન પર હુમલો કરી ત્રણેય હુમલાખોર બાળકિશોર ભાગી છૂટ્યા હતા.


બાદમાં વિક્રમ ગોંડલીયાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે હુમલાખોર ત્રણેય બાળકિશોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  આ ઘટનામાં ઈજાગ્રસ્ત વિક્રમ ગોંડલીયાએ લોકોને અપીલ કરી હતી કે આ તહેવાર સૌ કોઈ શાંતિથી ઉજવે અને કોઈ સાથે બળજબરી કરી તેમને નુકશાન ન પહોંચાડે.  


મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી


સુરતના સિંગણપોર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ મૃતકના પરિવારે કરી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. 


'મેં વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી' તે પ્રકારનો મૃતક મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ નોટમાં  ઉલ્લેખ કર્યો છે તે ઉપરથી કયા વ્યક્તિના નામનો આ ઉલ્લેખ કરાયો છે તે પોલીસ માટે સૌથી મોટો તપાસનો વિષય બની રહે છે. 


સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી વર્ષાબેન ચૌધરી નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલે સિંગણપોર વિસ્તારમાં આવેલા મહેશ્વરી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગત રોજ મોડી સાંજે મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. સિંગણપોર પોલીસની તપાસમાં ઘટના સ્થળ પરથી મૃતક દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટ પોલીસે કબજે કરી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. જ્યાં મહિના પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.