CRIME NEWS: સુરતમાં 36 કલાકમાં ચોથી હત્યાની ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં સરાજાહેર યુવકને ચપ્પુના ઘા ઝીંકી રહેસી નાંખવામાં આવ્યો છે. ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી ત્રણથી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા. ઉધના ઝાંસીની રાણી ગાર્ડન બહાર જીવલેણ હૂમલો કરવામાં આવ્યો હતો. આજે ફરી સરાજાહેર જીવલેણ હુમલાની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન સાદિક નામના યુવકનું મોત થયું હતું. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 હત્યા


Ahmedabad: ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે. કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ  દોષીએ આકરા પ્રહાર કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રીના વિસ્તાર-શહેર સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ હત્યાની ઘટના બની છે. સુરતમાં હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. બે હત્યા ડીંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બની છે. 


ગુજરાતમાં ૨૪ કલાકમાં બનેલી ૧૦ હત્યાની ઘટનાઓ


હત્યા-1- સુરતના ડીંડોલી વિસ્તારમાં.
હત્યા-2- સુરતના વિમલનાથ સોસાયટી નજીક.
હત્યા-3- સુરતના લીંબાયત વિસ્તાર.
હત્યા-4- અમદાવાદના બાપુનગર
હત્યા-5- અમદાવાદના નિકોલ
હત્યા-6- જામનગરના લાલપુર બાયપાસ નજીક 
હત્યા-7- જામનગર પંથકના પસાયા બેરાજા ગામની સીમમાંથી
હત્યા-8- વડોદરાના બાપોદ ગામે 
હત્યા-9- રાજકોટના ગોંડલ રોડ પર શિવ હોટેલ પાછળ.
હત્યા-10- સુરેન્દ્રનગર 80 ફૂટ રિંગરોડ પર


તેમણે આગળ કહ્યું કે, રાજ્યમાં નશાબંધીનો કાયદો હોવા છતાં બેરોકટોક કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે. અબજો રૂપિયાની ડ્રગ્સની હેરાફેરી થાય છે. બેફામ વ્યાજ ખોરોનો ત્રાસ છે. નકલી નોટો, ચીટ ફંડ સહીત આર્થિક ગુન્હાખોરી આસમાને છે.






સુરતમાં મિત્રએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ


સુરતના ડીંડોલી વિસ્તારમાં માથાકૂટ થતા મિત્રએ જ મિત્રને રહેંસી નાખ્યો છે. હત્યારો મિત્ર અગાઉ પણ હત્યાના ગુનામાં ઝડપાયો હોવાની વાત સામે આવી છે.  ડીંડોલી વિસ્તારમાં આવેલ નંદનવન ટાઉનશીપની બાજુમાં ક્રિકેટના ખુલ્લા ગ્રાઉન્ડમાં ૩૫ વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. યુવકની હત્યા તેના જ મિત્રએ કરી હોવાનું બહાર આવ્યું છે. મૃતક મિત્ર સાથે કોઈ બાબતે માથાકૂટ થતા ગુસ્સામાં આવી મિત્રએ જ  મિત્રની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. એટલું જ નહી આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં પકડાયો હતો અને થોડા સમય પહેલા જ જામીન પર જેલમાંથી બહાર આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.  


ક્રિકેટના ખુલ્લા ગ્રાઉન્ડમાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી


સુરતના ડીંડોલી વિસ્તારમાં નંદનવન ટાઉનશીપની બાજુમાં ક્રિકેટના ખુલ્લા ગ્રાઉન્ડમાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતા ડીંડોલી પોલીસની ટીમ સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ તપાસમાં મૃતક યુવકનું નામ મહેન્દ્ર ઉર્ફે બાંગો રમેશ રાઠોડ અને તે નવાગામ સ્થિત ઘોડીયાવાડ ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કરી આ મામલે તપાસ શરુ કરી હતી. વધુમાં મૃતક તેના પિતા સાથે રહેતો હતો અને તે અગાઉ લુમ્સના કારખાનામાં કામ કરતો હતો. પરંતુ હાલમાં તે બેકાર હતો. આ મામલે મૃતકના પિતા રમેશભાઈ રાઠોડે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.