ઢાકાઃ બાંગ્લાદેશની જાણીતી એક્ટ્રેસ રાઈમા ઈસ્લામ શિમુની હત્યાના કેસમાં તેના પતિની ધરપકડ કરાઈ છે. પોલીસે આપેલ માહિતી પ્રમાણે, રાઈમા ઈસ્લામ શિમુની હત્યા તેના પતિ શખાવત અલી નોબેલ અને તેના મિત્ર અબ્દુલ્લા ફરહાદે  કરી હતી. રાઈમા ઈસ્લામ શિમુ થોડા દિવસ પહેલાં ગૂમ થઈ હતી.  તેની લાશ એક કોથળામાં પુલ પાસે મળી આવી હતી. લાશના ક્રૂરતાથી બે ટુકડા કરી દેવાયેલા હતા એ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.


પોલીસ પાસે મળતી વિગતો પ્રમાણે 17 જાન્યુઆરીએ ઢાકામાં એક પુલ પાસે કોથળો મળી આવ્યો હતો અને તેમાંથી રાઈમાની લાશ મળી હતી. સ્થાનિક લોકોએ આ બાબતે પોલીસને જાણ કરી હતી. મૃતદેહ પર ઈજાના નિશાન જોઈને જ સ્પષ્ટ હતું કે, રાઈમાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. એ પછી તેના ટુકડા કરીને  લાશને બાદમાં કોથળામાં ભરીને ફેંકી દેવામાં આવી હતી.


દરમિયાન પોલીસનુ કહેવુ છે કે, રાઈમાની હત્યા તેના પતિ શેખાવલત અલીમ નોબેલ અને તેના મિત્ર અબ્દુલ્લા ફરહાદે કરી છે .તેમણે પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલ્યો છે. તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાનો કોર્ટે હુકમ કર્યો છે.


આ હાઈ પ્રોફાઈલ હત્યાકાંડનો ખુલાસો એક પ્લાસ્ટિકની દોરીના કારણે થયો.  બાંગ્લાદેશની ન્યૂઝ વેબસાઈટ 'ધ ડેઈલી સ્ટાર' એ 45 વર્ષની અભિનેત્રી રાઈમા ઈસ્લામ શિમુ  ગાયબ થઈ હોવાના સમાચાર સૌથી પહેલાં આપ્યા હતા. રાઈમાનો મૃતદેહ મંગળવારે ઢાકાથી થોડે દૂર હજરતપુર બ્રિજ પાસે કેરાનીગંજ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. 


સ્થાનિક લોકોએ અભિનેત્રીના મૃતદેહ અંગે  પોલીસને જાણકારી આપી હતી. મૃતદેહ કબજામાં લઈને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. આ કેસ ઉકેલવામાં પ્લાસ્ટિકની એક દોરી મહત્વનો પુરાવો બની.  આ પુરાવાના આધારે જ બંને આરોપીઓ જેલના સળિયા પાછળ પહોંચ્યા છે. જે કોથળામાં અભિનેત્રી રાઈમાની લાશ મળી હતી તેને પ્લાસ્ટિકની દોરીથી બાંધી દેવાયો હતો.  આ પ્લાસ્ટિકની દોરી સાથે મળતું એક બંડલ પોલીસને અભિનેત્રીના પતિની કારમાંથી મળી આવ્યું હતું. પોલીસે આકરી પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબુલી લીધો હતો.