Ahmedabad suicide case: અમદાવાદમાં પ્રેમસંબંધમાં દગો મળ્યાનો એક ચોંકાવનારો અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા એક હાઈરાઈઝ એપાર્ટમેન્ટના 14મા માળેથી છલાંગ લગાવીને 21 વર્ષીય યુવતી મીનાક્ષી (નામ બદલ્યું છે) એ આત્મહત્યા કરી લીધી છે. પ્રેમીએ અંગત પળોનો ન્યૂડ વીડિયો બનાવીને બ્લેકમેલ કરતા આ યુવતીએ જીવન ટૂંકાવવા મજબૂર બની હતી. આ ઘટનામાં ચાંદખેડા પોલીસે યુવતીના પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા અને તેના મિત્ર હાર્દિક રબારી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બ્લેકમેલિંગ અને ધમકીઓનો સિલસિલો

પ્રાથમિક તપાસ મુજબ, મૃતક યુવતી અને મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા વચ્ચે પ્રેમસંબંધ હતો. થોડા દિવસો પહેલાં, મોહિતના મિત્ર હાર્દિક રબારી એ મીનાક્ષી ને ફોન કરીને જણાવ્યું કે તેની પાસે તેનો એક વીડિયો છે. હાર્દિક એ મીનાક્ષી ને વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી હિલ લોક હોટલ પાસે મળવા બોલાવી, જ્યાં તેણે મોહિત સાથેનો મીનાક્ષીનો ન્યૂડ વીડિયો તેના મોબાઈલમાં બતાવ્યો. આ વીડિયો મોહિતના મોબાઈલમાંથી લીધો હોવાનું હાર્દિક એ જણાવ્યું હતું, જે જોઈને મીનાક્ષી અને તેની સાથે ગયેલા મિત્રો ચોંકી ગયા હતા.

આ વીડિયો ડિલીટ કરાવવા માટે મોહિત એ મીનાક્ષી પાસે ₹2500ની માંગણી કરી હતી. મીનાક્ષી એ મોહિતને મળવાનું નક્કી કર્યું, પરંતુ ત્યાં મોહિત એ વીડિયો ડિલીટ કરવાની ના પાડીને ત્યાંથી જતો રહ્યો. આ મામલે મીનાક્ષી એ પોલીસને જાણ કરી, અને પોલીસની હાજરીમાં મોહિતના ફોનમાંથી વીડિયો ડિલીટ કરાવવામાં આવ્યો હતો. જોકે, આ સમાધાન છતાં, મીનાક્ષી ને સતત ડર સતાવતો હતો કે આ વીડિયો હાર્દિકના ફોનમાં અથવા અન્ય કોઈ જગ્યાએ હોઈ શકે છે અને તે વાયરલ થઈ જશે.

આત્મહત્યા અને પોલીસ કાર્યવાહી

વીડિયો વાયરલ થવાના આ સતત ડર અને ચિંતાને કારણે મીનાક્ષી એ ચાંદખેડા વિસ્તારના હાઈરાઈઝ બિલ્ડિંગના 14મા માળેથી ઝંપલાવીને પોતાની જિંદગી ટૂંકાવી લીધી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર મચી ગઈ છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મીનાક્ષી એ અગાઉ મોહિત ને ₹6000 પણ આપ્યા હતા અને પોતાની સોનાની ચેઈન પણ ગીરવે મુકાવી હતી, જેથી વીડિયો ડિલીટ થઈ જાય. પરંતુ તેમ છતાં તેને સતત બ્લેકમેલ કરવામાં આવતી હતી. ચાંદખેડા પોલીસે આ મામલે મોહિત ઉર્ફે મિતરાજ ની અટકાયત કરી લીધી છે અને હાર્દિક રબારી ની શોધખોળ ચાલુ છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે, જેથી ન્યાય મળી શકે.