અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ
Ahmedabad Vastrapur Firing: NRI ટાવર ફાયરિંગ કેસમાં પોલીસનો મોટો ખુલાસો: રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયર થયા હતા; લગ્નગાળો ટૂંકો હોવાથી પોલીસે ઝીણવટભરી તપાસ કરતા સત્ય બહાર આવ્યું, હત્યાનો ગુનો દાખલ.

Ahmedabad Vastrapur Firing: શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં આવેલા એનઆરઆઈ એપાર્ટમેન્ટ (NRI Apartment) માં બનેલી ફાયરિંગની ઘટનામાં પોલીસ તપાસમાં એક ચોંકાવનારો અને નવો ખુલાસો સામે આવ્યો છે. શરૂઆતમાં જેને અકસ્માત માનવામાં આવી રહ્યો હતો, તે વાસ્તવમાં એક ગંભીર ગુનો નીકળ્યો છે. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે પતિ યશકુમારે (Yashkumar) જ પહેલા પોતાની પત્ની રાજેશ્વરી (Rajeshwari) ને ગોળી મારીને હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ ગોળી મારીને આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. આ ગંભીર મામલે હવે એસીપી (ACP) જયેશ બ્રહ્મભટ્ટ પોતે ફરિયાદી બન્યા છે અને મૃતક પતિ સામે હત્યાનો ગુનો (Murder Case) દાખલ કરવામાં આવ્યો છે.
અકસ્માતની થિયરી કેમ ફેલ ગઈ?
શરૂઆતમાં પોલીસ ચોપડે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાયો હતો. પરંતુ દંપતીના લગ્નનો ગાળો ખૂબ જ ટૂંકો હોવાથી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, "કોઈ વ્યક્તિથી ભૂલથી ગોળી છૂટે અને તે સીધી સામેવાળી વ્યક્તિના માથામાં જ વાગે, તેવી શક્યતા નહિવત હોય છે." ફોરેન્સિક અને પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઘટનાસ્થળેથી મળેલી રિવોલ્વરમાં 2 ગોળીઓ હતી અને બંને ફાયર થયેલી હતી. જે સાબિત કરે છે કે આ અકસ્માત નહીં પણ વિચારેલું પગલું હતું.
ઘટના પહેલા શું થયું હતું?
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટનાની રાત્રે આ દંપતી કોઈ સંબંધીના ઘરે જમવા ગયું હતું. ત્યાંથી પરત ફરતી વખતે તેઓ રસ્તામાં જ્યુસ પીવા પણ રોકાયા હતા. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે જ્યારે તેઓ બહાર ગયા હતા ત્યારે રિવોલ્વર તેમની સાથે હતી કે કેમ? આ માટે સંબંધીના ઘર અને જ્યુસ સેન્ટર આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
માતાની પૂછપરછ અને મોબાઈલ ડેટા
હાલ સુધી પોલીસ દ્વારા માત્ર મૃતકની માતાનું જ નિવેદન લેવામાં આવ્યું છે. જ્યારે ફાયરિંગ થયું ત્યારે ઘરમાં હાજર માતાને અવાજ સંભળાયો હતો કે નહીં, તેની ખરાઈ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પોલીસ મૃતક દંપતીના સગા-સંબંધીઓ અને મિત્રોની પૂછપરછ કરશે. આ ઉપરાંત, બંનેના મોબાઈલ ફોન (Mobile Phones) ની કોલ ડિટેલ્સ અને ચેટ્સ પણ ચકાસવામાં આવશે જેથી હત્યા પાછળનું સચોટ કારણ જાણી શકાય.






















