બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન પત્ની દ્વારા પતિ સામે લગાવવામાં આવેલા નપુંસકતાના આરોપો માનહાનિ નથી અને આવા દાવાઓ જ્યારે સ્ત્રીના હિતોનું રક્ષણ કરવા માટે કરવામાં આવે છે ત્યારે તે કાનૂની પ્રક્રિયાનો આવશ્યક ભાગ છે.
જસ્ટિસ એસએમ મોડકે 17 જૂલાઈના રોજ આપેલા આદેશમાં એક વ્યક્તિની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે હિન્દુ લગ્ન કાયદા હેઠળ નપુંસકતાના આરોપો ખૂબ જ સુસંગત છે અને છૂટાછેડા માટે માન્ય આધાર હોઈ શકે છે. જોકે આ આદેશ 17 જૂલાઈના રોજ પસાર કરવામાં આવ્યો હતો પરંતુ શુક્રવારે તેને જાહેર કરવામાં આવ્યો હતો. હકીકતમાં પત્નીથી અલગ થયેલા પુરુષે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો.
કોર્ટે શું કહ્યું?
ન્યાયાધીશ મોડકે કહ્યું હતું કે પત્નીને તેના હિતોનું રક્ષણ કરવા એ આરોપ લગાવવાનો અધિકાર છે અને એ સાબિત કરવાનું છે કે લગ્નમાં તેની સાથે ક્રૂરતા થઈ છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે નપુંસકતાના આરોપોને છૂટાછેડાનો આધાર બનાવવો જરૂરી છે.
કોર્ટે કહ્યું હતું કે , "કોર્ટ માને છે કે જ્યારે વૈવાહિક સંબંધમાં પતિ-પત્ની વચ્ચે મુકદ્દમા હોય છે, ત્યારે પત્ની તરફથી પોતાના હિતોના સમર્થનમાં આરોપો લગાવવા યોગ્ય છે. તેને માનહાનિ ગણી શકાય નહીં."
અરજદારે શું કહ્યું?
અરજદારે દલીલ કરી હતી કે તેની પત્નીની છૂટાછેડા અને ભરણપોષણ અરજીઓ અને એક અલગ FIRમાં કરવામાં આવેલા દાવાઓ જાહેર રેકોર્ડનો ભાગ બની ગયા છે અને તેથી તેનાથી તેની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. વ્યક્તિએ કહ્યું હતું કે તેની અલગ થયેલી પત્નીએ છૂટાછેડા અને ભરણપોષણ માંગતી તેની અરજીઓ તેમજ નોંધાયેલી FIRમાં દાવો કર્યો હતો કે તે નપુંસક છે.
અગાઉ, 18 જુલાઈના રોજ બોમ્બે હાઈકોર્ટે છૂટાછેડાના એક કેસમાં કહ્યું હતું કે - જો પત્ની તેના પતિને શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરે છે અને પછી તેને બીજી સ્ત્રી સાથે અફેર હોવાની શંકા કરે છે, તો તે ક્રૂરતા માનવામાં આવશે. આવી પરિસ્થિતિ છૂટાછેડા માટે માન્ય આધાર છે.