Asad Ahmed Encounter Post Mortem Report: અસદ અહેમદ એન્કાઉન્ટર કેસમાં અસદના મેડિકલ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. પોસ્ટ માર્ટમ રિપોર્ટમાં અસદને ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં શરીરના કયા કયા ભાગે ગોળીઓ વાગી હતી અને કેટલી ગોળીઓ વાગી હતી તેને લઈને ખુલાસો થયો છે. તેવી જ રીતે શૂટર ગુલામને પણ કેટલી ગોળીઓ અને ક્યાં ક્યાં વાગી હતી તેને લઈને પણ ખુલાસો થયો છે.



આ અહેવાલની માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું છે કે, અસદને શરીર પર બે ગોળી વાગી છે. પહેલી ગોળી તેની પીઠમાં વાગી હતી, જ્યારે બીજી ગોળી અસદની છાતીમાં વાગી હતી, જે આગળ તેની ગરદનમાં ફસાઈ ગઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અસદ સાથે માર્યા ગયેલા તેના સાથી શૂટર ગુલામને તેની પીઠ પર ગોળી વાગી હતી જે તેની છાતીને ચીરીને આગળના ભાગમાંથી બહાર નીકળી ગઈ હતી. જેના કારણે ગુલામનું મોત થયું હતું. આ બંને આરોપીઓએ તેમના સાથીઓ સાથે મળીને 24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા કરી હતી, જેમાં યુપીના બે પોલીસ કોન્સ્ટેબલ પણ શહીદ થયા હતા.

એન્કાઉન્ટર અંગે પોલીસનું શું કહેવું છે?

યુપી પોલીસ અને એસટીએફ છેલ્લા 50 દિવસથી અસદ અને ગુલામને શોધી રહી હતી. જેના માટે પોલીસે સતત તલાશી અભિયાન હાથ ધર્યું હતું. યુપી પોલીસની પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, પોલીસે તેમને ઝાંસીમાં રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રોકાવવાના બદલે બંનેએ પોલીસ પર ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસનું કહેવું છે કે, જવાબી કાર્યવાહીમાં પોલીસે બંનેને ઠાર માર્યા હતાં.

વિશેષ અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ અસદ અહેમદ અને ગુલામ પ્રત્યેક પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું. ઝાંસીમાં STF સાથેના એન્કાઉન્ટરમાં બંનેના મોત થયા હતા.

એન્કાઉન્ટર ટીમમાં કોણ કોણ?

કુમારે જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં સામેલ ઉત્તર પ્રદેશ એસટીએફની ટીમનું નેતૃત્વ નાયબ પોલીસ અધિક્ષક નવેન્દ્ર કુમાર અને વિમલ કુમાર સિંહ કરી રહ્યા હતા. આ એન્કાઉન્ટર બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે, ખોટા એન્કાઉન્ટર કરીને ભાજપ સરકાર વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.

કુમારે બાદમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે અધિક પોલીસ મહાનિર્દેશક (STF) અમિતાભ યશ સાથે પત્રકારોને જણાવ્યું હતું કે, બે નાયબ પોલીસ અધિક્ષક, બે નિરીક્ષક, એક સબ ઈન્સ્પેક્ટર (SI), પાંચ હેડ કોન્સ્ટેબલ અને બે કમાન્ડો ઓપરેશનમાં સામેલ હતા.