બોટાદમાં રાણપુરમાં શિક્ષક વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. મળતી જાણકારી અનુસાર, શિક્ષક પર કિશોરી સાથે છેડછાડ કરવાનો આરોપ છે. બોટાદના રાણપુરના રૂકમણી કન્યા શાળાના શિક્ષક સામે છેડતી અને પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જાવેદ અશરફભાઈ ચુડેસરા નામના શિક્ષક વિરૂદ્ધ 12 વર્ષની કિશોરીના પિતાએ શારિરીક છેડછાડ કર્યાનો આરોપ લગાવ્યો હતો.


ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શિક્ષકે 16 અને 17 સપ્ટેમ્બરના રોજ છેડતી કરી હતી. પીડિતાના પિતાએ ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે શિક્ષક જાવેદ અવારનવાર બાળકીને રૂમ નંબર 11માં બોલાવી શારિરીક અડપલા કરતો હતો. આટલું જ નહીં જો કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે પોલીસે હાલ તો છેડતી અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


Bhavnagar: ભાવનગરમાં વધુ એક યુવતીએ યુવકના ત્રાસથી કંટાળી આત્મહત્યાનો કર્યો પ્રયાસ, યુવતીની હાલત ગંભીર


ભાવનગરમાં વધુ એક યુવતીએ યુવકની પજવણીથી ત્રાસી જઈ દવા પી પોતાની જાતને સળગાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ, ભાવનગરના ઘોઘા તાલુકાના હાથબ ગામ નજીક 18 વર્ષીય યુવતીને ફુલસર ગામે રહેતો પાર્થ બારૈયા નામનો યુવક પરેશાન કરતો હતો.  યુવકના ત્રાસથી કંટાળી યુવતી ગઈકાલે પોતાના ઘરે પહેલા ઝેરી દવા પીધી બાદમાં સળગી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.


યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તબીબોએ તેની હાલત ગંભીર ગણાવી હતી. છેલ્લા 10 દિવસમાં પજવણીના કારણે યુવતીની આત્મહત્યાના પ્રયાસનો આ બીજો બનાવ છે. પ્રથમ મોટા સુરકા ગામે સગીરાએ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં સગીરાનું મોત થયું હતું. હવે ઘોઘા તાલુકાના હાથબ ગામે યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવતીની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.










 





ભાવનગર: સગીરાને આત્મહત્યા કરવા મજબૂર કરનારા ત્રણ આરોપીઓ 10 દિવસ બાદ ઝડપાયા









ભાવનગરમાં સગીરા આત્મહત્યા કેસમાં  10 દિવસ બાદ ત્રણ આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના સિહોર તાલુકાના મોટા સુરકા ગામમાં માથાભારે શખ્સોના ત્રાસથી કંટાળી 10 દિવસ પૂર્વે સગીરાએ આત્મહત્યા કરી હતી. સગીરાને મરવા મજબૂર કરનારા ત્રણ શખ્સની આખરે ધરપકડ કરવામાં આવી છે. વિપુલ જોટાણા, હર્ષિલ જોટાણા અને મહેશ જોટાણા નામના શખ્સો સુરકા ગામની સગીરાને શારિરીક સંબંધ બાંધવા તેમજ માનસિક ત્રાસ આપતા હતાં. છેલ્લા ચાર માસથી વધુ સમયથી માથાભારે શખ્સો યુવતીને ત્રાસ આપતા હતા જેનાથી કંટાળીને  સગીરાએ પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.