Ahmedabad crime: શહેરના સોલા વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને હેવાનિયતભર્યો કિસ્સો સામે આવ્યો છે. એક કલંકિત પિતાએ પોતાની જ 10 વર્ષની માસુમ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિત બાળકીએ પોતાની માતાને પેટમાં દુખાવા અને બેસવામાં તકલીફ થતી હોવાની વાત કરી. માતાએ બાળકીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા નરાધમ પિતાની કરતૂતોનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પિતાની ધરપકડ કરી છે અને તેને જેલ હવાલે કર્યો છે.
દરેક પિતા પોતાની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત દિવસ મહેનત કરતા હોય છે, પરંતુ સોલા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક પિતાએ પવિત્ર ગણાતા પિતા-પુત્રીના સંબંધને જ લાંછન લગાવ્યું છે. હવસથી આંધળો બનેલા પિતાએ પોતાની જ 10 વર્ષની દીકરીને એકલતાનો લાભ લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. બાળકીને શારીરિક તકલીફ થતાં માતાને સમગ્ર હકીકત જણાવતા આ ભયાનક ઘટનાનો ખુલાસો થયો હતો.
પોલીસ ફરિયાદ મુજબ, આરોપી પિતા છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેની પત્ની પણ મજૂરી કામ કરે છે. આ દંપતી તેમના ત્રણ બાળકો સાથે સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. ગત 5મી માર્ચના રોજ જ્યારે ફરિયાદી મહિલા પોતાની મોટી દીકરીને લઈને કામ માટે બહાર ગઈ હતી, ત્યારે બપોરના બે વાગ્યાની આસપાસ આરોપી પિતા નોકરીએથી ઘરે પરત ફર્યો હતો. તેણે તેના અન્ય બાળકને બહાર રમવા મોકલી દીધો અને ત્યારબાદ રૂમ બંધ કરીને 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, આરોપીએ બાળકીને આ ઘટના વિશે કોઈને જાણ કરશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પરંતુ સત્ય ક્યારેય છુપાયું રહેતું નથી. બાળકીને સતત બેસવામાં તકલીફ થતી હોવાથી આખરે તેણે પોતાની માતાને વાત કરી. માતાને શંકા જતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ દુષ્કર્મની પુષ્ટિ કરી હતી.
પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તુરંત જ ફરિયાદ નોંધી અને આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી પિતાને તેની પત્ની સાથે અવારનવાર નાના-મોટા ઝઘડા થતા રહેતા હતા. હાલમાં આરોપી નરાધમ પિતા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો....