સુરત:  જો તમે ફેસબુક પર ઓનલાઈન કોઈ ખરીદી કરતા હોય તો તમારે ચેતી જવાની જરુર છે.   સુરતમાં માત્ર 389 રુપિયામાં સસ્તા રમકડા આપવાની લોભામણી જાહેરાત આપી 3500 રુપિયાની છેતરપીંડી કરી હોવાની ઘટના સામે આવી છે. ઓનલાઈન ફેસબુક પર બાબોબેબી.ખિલૌના કિડ્સ નામથી વેબસાઇટ શરૂ કરી તેના ઉપર મોંઘા રમકડાં માત્ર 389 રૂપિયામાં વેચાણ કરવાની જાહેરાત મૂકવામાં આવી હતી. પૈસા ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર મેળવી ડિલિવરી નહિ કરતી ટોળકીને વરાછા પોલીસે દબોચી લીધી હતી. આ ટોળકી પોલીસ ફરિયાદ નહિ થાય તે માટે નાની-નાની રકમની છેતરપિંડી કરતા હતા.  સુરત પોલીસે હાલ તો આ ટોળકીના ફેડરલ બેન્કના એકાઉન્ટમાંથી 13.86 લાખનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું હતું. પોલીસે આ સમગ્ર કેસને લઈ વધુ તપાસ હાથ ધરી છે.  


વરાછા મારુતિ ચોકના ઉમિયા કોમ્પ્લેક્ષમાં રહેતો અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં 26 વર્ષના સાગર જોષીએ ફેસબુક ઉપર બાબોબેબી.ખિલૌના કિડ્સ નામની વેબસાઇટની જાહેરાત જોઈ હતી. માત્ર 389 રૂપિયામાં મોંઘી ટોય કાર મળતી હોઈ આ યુવકે 4 જાન્યુઆરીએ ઓર્ડર પ્લેસ કરી પેટીએમથી શ્યામએન્ટ નામની યુ.પી.આઈ. IDમાં ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું. જોકે આ નાણાં ચૂકવવા છતાં પણ ઓર્ડર બૂક બતાવતો નહતો. વધુ ચેક કરતાં આ વેબસાઈટ જ બંધ થઈ ગઇ હોઈ મામલો શંકાસ્પદ લાગ્યો હતો. યુવકે વરાછા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગાબાણીએ આ પ્રકરણને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરતાં મોટું રેકેટ બહાર આવ્યું હતું.


લાખો રૂપિયાની છેતરપીંડી આચરી


નિખિલ હસમુખ સાવલિયા, અવનીક ભરત વઘાસિયા, લક્ષંત ઉર્ફે ભૂરિયો પંકજ ડાવરા અઠંગ ખેલાડીઓ હતા. આ ટોળકીએ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. કબૂલાત પ્રમાણે તેઓ સસ્તામાં રમકડાં વેચવાની જાહેરાત કરી લોકોને લલચાવતા હતા અને નાણાં મેળવી લઈ કોઈ પણ પ્રકારની ડિલિવરી કરતા ન હતા. મુખ્ય મોડસ ઓપરેન્ડી એવી હતી કે જો મોટી રકમની છેતરપિંડી કરવામાં આવે તો લોકો પોલીસ મથકે ફરિયાદ કરી શકે. 300થી 400 રકમની છેતરપિંડી કરવામાં આવે તો લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે.  નાની-નાની રકમની છેતરપિંડી કરતા હતા.  નાની-નાની રકમ મેળવી આ ત્રિપુટીએ લાખો રૂપિયા ભેગા કર્યા હતા. આ ટોળકી દ્વારા છેતરાયેલા લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.