Crime News: અમદાવાદમાં મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના શિલજ વિસ્તારમાં રહેતા એક પરિવારની 21 વર્ષની યુવતી સોશિયલ મીડિયા પર પુણેમાં રહેતાં વિધર્મી યુવક શાકિબ અહેમદ ઇબ્રાહિમના સંપર્કમાં આવી હતી. તેના યુવક સાથે સંબંધો એ હદે વધી ગયાં હતાં કે, બંને વચ્ચે ન્યૂડ કોલ પણ થતાં હતાં. જેમાં યુવકે સ્ક્રીન રેકોર્ડ કરીને યુવતીનો ન્યૂડ વીડિયો પણ બનાવી લીધો હતો. બાદમાં આ યુવકે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પીડિતા પાસેથી નાણાં પણ પડાવ્યા હતાં. યુવતીએ પ્રેમીની વાતોમાં આવી બીજા નાણાંની માંગ કરી હતી. જ્યારે પરિવારે ના પાડી દીધી તો યુવતીએ હાથમાં બ્લેડના ઘા મારી પરિવારને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી કંટાળીને પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર, આરોપી શાકિબ અહેમદ ઇબ્રાહિમ QR કોડ મોકલી પૈસા મંગાવી રહ્યો છે. આ ત્રાસથી કંટાળીને યુવતીના પરિવારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. પીડિતાના પરિવારે જણાવ્યું હતું કે તેમની દીકરી ગત વર્ષે ક્રિસમસ પર આઠ દિવસ માટે ગોવા ટ્રેકિંગ કેમ્પમાં ગઇ હતી. આ કેમ્પના નિયમ મુજબ તમામ સભ્યોએ સાંજે 5 વાગ્યા સુધીમાં કેમ્પ પર આવી જવાનું હોય છે. પરંતુ યુવતી આવી નહોતી. જેથી પરિવારના સભ્યો યુવતીને કોલ કરવા લાગ્યા પરંતુ તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. ત્યારે જ લગભગ નવ વાગ્યે યુવતી કેમ્પ પર પરત આવી હતી. જેથી તેના પિતા બીજા જ દિવસે ગોવા પહોંચી ગયા. પરંતુ તેના હાથ પર સિગારેટના ડામના નિશાન હતા. જે અંગે પૂછપરછ કરતા તેમની દીકરીએ જણાવ્યું હતું કે તે ઇન્સ્ટાગ્રામ પર પુણેમાં રહેતા શાકિબ અહેમદ ઇબ્રાહિમના સંપર્કમાં આવી હતી અને તે મને ગોવા મળવા આવ્યો હતો.
ન્યૂડ વીડિયો ઉતારી લઈ બ્લેકમેઈલિંગ શરૂ કર્યું
શાકિબ તેમની દીકરીને કોલ કરી સતત પરેશાન કરતો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતીને બ્લેકમેઇલ કરતો હતો. યુવતી પાસે રૂપિયા ના હોય ત્યારે તે પોતાના સ્વજનોને શાકિબે મોકલેલો QR કોડ મોકલી તેમાં રૂપિયા ટ્રન્સફર કરવા આજીજી કરતી હોય છે. શાકિબના વશમાં રહેલી યુવતી તેના કહેવાથી પોતાના હાથ પર બ્લેડ પણ મારતી હતી.
પરિવારે યુવતીની માનસિક સારવાર પણ શરૂ કરાવી હતી. તેમ છતાંય યુવતીના સ્વભાવમાં કોઈ ફરક ન હતો આવ્યો. થોડા સમય પહેલાં તેણે અહેમદના કહેવાથી હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. છેવટે કંટાળીને યુવતીના પરિવારજનોએ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.