Crime News: ફાસ્ટ ફૂડમાં લગભગ દરેકને બર્ગર ખાવુ ગમે છે.પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બર્ગરને લઇને હત્યા પણ થઈ શકે છે? વાસ્તવમાં પાકિસ્તાનના કરાચીથી એક વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે માત્ર બર્ગર ખાવાના કારણે તેના મિત્રની હત્યા કરી નાખી હતી.


શું છે સમગ્ર મામલો?


યુવકે તેની ગર્લફ્રેન્ડ સાથે ખાવા માટે બે બર્ગરનો ઓર્ડર આપ્યો હતો પરંતુ યુવકના મિત્રએ કથિત રીતે એક બાઇટ બર્ગર ખાઇ લીધો. જેના કારણે બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને ગુસ્સે ભરાયેલા બોયફ્રેન્ડે તેના જ મિત્રની હત્યા કરી નાખી હતી.


અહેવાલો અનુસાર, પોલીસ અધિકારીઓએ બુધવારે 8 ફેબ્રુઆરીએ બનેલી ઘટનાની તપાસ કરી હતી. આ ઘટના કરાચીના ડિફેન્સ ફેઝ 5 વિસ્તારની છે. પીડિતની ઓળખ સેશન્સ જજના પુત્ર અલી કિરીઓ તરીકે થઈ હતી, જ્યારે આરોપી દાનિયાલ એસએસપી નઝીર અહેમદ મીરબહારનો પુત્ર છે.


પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે દાનિયાલે તેની ગર્લફ્રેન્ડ શાઝિયાને 8 ફેબ્રુઆરીએ પોતાના ઘરે બોલાવી હતી. દરમિયાન મિત્ર અલી કિરીયો અને તેનો ભાઈ અહમર પણ હાજર હતા. આરોપીએ પોતાના અને શાઝિયા માટે બે બર્ગર ઓર્ડર કર્યા હતા પરંતુ કિરીયોએ કથિત રીતે એક બાઇટ બર્ગર થાઇ લેતા દાનિયાલ ગુસ્સે થયો હતો. બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આરોપી દાનિયાલે ગાર્ડની રાઈફલમાંથી કિરીયો પર ફાયરિંગ કર્યું હતું. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.


પોલીસે આ કેસની તપાસ પૂર્ણ કરી અને તેનો રિપોર્ટ વરિષ્ઠ અધિકારીઓને સોંપ્યો હતો. અહેવાલો અનુસાર હત્યા માટે પોલીસ અધિકારીના પુત્રને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. આરોપી દાનિયાલ નઝીરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.