Delhi News:  દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને કાર દ્વારા ખેંચી જવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે એક નશામાં કાર ચાલકે સ્વાતિ માલીવાલને દિલ્હીમાં AIIMSના ગેટ નંબર બેની સામે 10 થી 15 મીટર સુધી ઢસડી હતી. તેના હાથ કાચમાં ફસાઈ ગયો હતો. દિલ્હી પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.


ક્યારે બની ઘટના


દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સવારે 3.11 વાગ્યે બની હતી. AIIMSના ગેટ નંબર બેની સામે કાર ચાલકે સ્વાતિ માલીવાલને પોતાની કારમાં બેસવા કહ્યું. જ્યારે માલીવાલ તેને ઠપકો આપી રહી હતી ત્યારે કાર ચાલક હરિશ્ચંદ્રએ કારનો વિન્ડશિલ્ડ ઉંચો કર્યો હતો. જેના કારણે સ્વાતિ માલીવાલનો હાથ કારમાં ફસાઈ ગયો હતો. આ પછી કાર ચાલક તેને 10 થી 15 મીટર સુધી ખેંચી ગયો.






નશાની હાલતમાં હતો કાર ચાલક


પોલીસના જણાવ્યા અનુસાર, 47 વર્ષીય હરિશ્ચંદ્ર નશાની હાલતમાં હતો અને તેની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આરોપી અને પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે સ્વાતિ માલીવાલ તેની ટીમ સાથે તે જ જગ્યાએ ફૂટપાથ પર ઊભી હતી.


મોરબી પુલ દુર્ઘટના બાદ સરકાર જાગી, જાણો શું લીધો નિર્ણય


મોરબી ઝૂલતા પુલ તૂટવાની ઘટના બાદ કોર્ટે આપેલા નિર્દેશોના પાલનમાં રાજ્ય સરકારે કાર્યવાહી કરી છે. રાજ્યમાં પુલોના ઇન્સ્પેક્શનની સરકારે કામગીરી હાથ ધરી છે. ક્ષતિગ્રસ્ત અને વધુ રિપેરીંગ માંગી લે તેવા પુલ બંધ કરવા નિર્ણય લેવાયો છે.  આ ઉપરાંત રિપેરીંગની જરૂરિયાત હોય તેવા પુલોના રિપેરીંગ તાત્કાલિક કરવા નિર્દેશ અપાયા છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સિંહ ઝાલાને ચાર્જ શીટ અપાઈ છે. મોરબી નગરપાલિકા ને ડીઝોલ્યુશનની કારણદર્શક નોટિસ અપાઈ છે.


ગુજરાત પોલીસમાં સામે આવ્યું જાસૂસી કૌભાંડ


ગુજરાત પોલીસમાં જાસૂસી કૌભાંડ સામે આવ્યું છે. ભરૂચમાં ટેક્નિકલ સર્વેલન્સના બે કર્મચારીઓ બુટલેગરો માટે પોલીસ અધિકારીઓની જાસૂસી કરતા હતા. જે બાદ આંતરિક તપાસ શરૂ કરાઈ છે. ગુજરાતના પોલીસના મોટા માથા ગણાતા અધિકારીઓની પણ જાસૂસી કરાઈ હોવાની માહિતી છે. કુખ્યાત બુટલેગરો અંગેની બાતમી લાંબા સમયથી નિષ્ફ્ળ જતા આંતરિક તપાસમાં ભાંડો ફૂટ્યો હતો.