પોલીસની ખાખીને લાંછન: ધોરાજી સેશન કોર્ટે પૂર્વ GRD પોલીસ કર્મચારી ભરત શેખવાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ફટકારી, પીડિતાને ઘેનની ગોળી આપી દુષ્કર્મ આચરવાનો આરોપ સાબિત.


ધોરાજી સેશન કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા પૂર્વ GRD પોલીસ કર્મચારી ભરત શેખવાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં પીડિતાએ આરોપી પર ઘેનની ગોળી આપીને દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો હતો, જે કોર્ટમાં સાબિત થયો હતો.


કેસની વિગતો


પીડિતાની માતાએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર હકુમતસિંહ જાડેજા સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ભરત શેખવાએ તેમની દીકરી પર દુષ્કર્મ આચર્યું છે. ફરિયાદ મુજબ, 29-03-2021ના રોજ આરોપી વાડીએ આવીને પીડિતા સાથે બદકામની માંગણી કરી હતી. આ બાબતે ફરિયાદ થતાં પીડિતાના પિતા, ફઈબા અને આરોપીના પરિવારજનો વચ્ચે મારામારી પણ થઈ હતી.


કોર્ટની કાર્યવાહી અને ચુકાદો


આ કેસની તપાસ હકુમતસિંહ જાડેજાએ પોતે કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. ચાર્જશીટમાં આરોપી ભરત મગનભાઈ શેખવા વિરુદ્ધ દુષ્કર્મ અને મારામારીના આરોપો હતા, જ્યારે તેમના પરિવારજનો વિરુદ્ધ મારામારીના આરોપો હતા. કોર્ટમાં ચાલેલી ટ્રાયલ દરમિયાન પીડિતા, તેની માતા અને અન્ય સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સાયન્ટિફિક એપ્રોચથી થયેલી તપાસને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.


પીડિતાએ કોર્ટમાં પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે આરોપી તેને ઘેનની ગોળી આપતો હતો અને ઘરના બધા લોકોના જમવામાં પણ તે ગોળી ભેળવવાનું કહેતો હતો. ત્યારબાદ તે પીડિતાને ઘેનની હાલતમાં ધાકધમકીથી દુષ્કર્મ આચરતો હતો. આવા અનેક બનાવો બન્યા હતા.


સરકાર પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે જોરદાર દલીલો કરી હતી અને આરોપી દ્વારા ધોરાજી પોલીસ સ્ટેશનમાં GRD તરીકે ફરજ બજાવતા હોવાના વગનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.


તમામ પુરાવા અને સંજોગોને ધ્યાનમાં લઈને ધોરાજીના એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તથા સ્પેશિયલ પોક્સો જજ અલી હુસેન મોહીબુલા શેખે આરોપી ભરત મગન શેખવાને તકસીરવાર ઠેરવીને 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો.


આ પણ વાંચો...


ગિફ્ટ સિટીમાં ફિન્ટેક ઇનોવેશનથી યુવાનોને મળશે રોજગારીની તકો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન


વડનગરને વિકાસની ભેટ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ