Gir Somnath crime: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 11 નવેમ્બરના રોજ બનેલા એક મહિલાના શંકાસ્પદ મૃત્યુનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. લૂંટના ઇરાદે કરવામાં આવેલી આ હત્યામાં પોલીસે મૃતકના પાડોશમાં જ રહેતા શ્યામ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી એક સિરિયલ કિલર છે. તેણે મહિલાને એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપીને મોતને ઘાટ ઉતારી હતી. એટલું જ નહીં, આ નરાધમે 4 મહિના પહેલા પોતાના જ એક મિત્રની મોરફીનની ગોળીઓ ખવડાવીને હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી છે.
ઘટનાસ્થળ પરથી મળ્યા હતા શંકાસ્પદ પુરાવા
વેરાવળની હુડકો સોસાયટીમાં આવેલી માનવ રેસિડેન્સીમાં રહેતા ભાવનાબેન ચાંડેગરાનું 11 નવેમ્બરના રોજ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને મૃતક મહિલાના ઘરના ટેબલ પરથી એક ઇન્જેક્શન મળી આવ્યું હતું અને મહિલાના હાથ પર સોઈ ભોંકાયાનું નિશાન પણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત, ગાદલા પર લોહીના ડાઘા હતા અને મહિલાના શરીર પરથી સોનાના દાગીના ગાયબ હતા. આ તમામ પુરાવાઓ સ્પષ્ટ કરતા હતા કે આ સામાન્ય મોત નથી, પરંતુ લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યા છે.
દાગીના ગીરવે મૂકવા જતાં આરોપી ઝડપાયો
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસને શંકા હતી કે કોઈ જાણભેદુ જ આ કૃત્યમાં સામેલ હોઈ શકે છે. તપાસ દરમિયાન પોલીસની શંકાની સોય મૃતકના ઘરની નજીક રહેતા શ્યામ ચૌહાણ પર ગઈ હતી. પોલીસે વોચ ગોઠવી હતી અને જ્યારે આરોપી લૂંટના દાગીના સોનીની દુકાને ગીરવે મૂકવા ગયો, ત્યારે તેને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો.
હત્યાની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી
પોલીસ પૂછપરછમાં શ્યામ ચૌહાણે જે કબૂલાત કરી તે સાંભળીને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આરોપીએ ભાવનાબેનને વિશ્વાસમાં લઈને કહ્યું હતું કે તે તેમનો થેલેસેમિયાનો રિપોર્ટ કરાવી આપશે. આ બહાના હેઠળ તે બ્લડ સેમ્પલ લેવા માટે તેમના ઘરે ગયો હતો. બ્લડ સેમ્પલ લેવાને બદલે તેણે ચાલાકીપૂર્વક મહિલાને એનેસ્થેસિયા (બેભાન કરવાની દવા) નો ઓવરડોઝ આપી દીધો હતો. દવાની અસર થતાં જ મહિલાનું મોત નિપજ્યું હતું અને આરોપી દાગીના લૂંટીને ફરાર થઈ ગયો હતો.
મિત્રની હત્યાનો પણ પર્દાફાશ
આરોપી શ્યામ ચૌહાણની સઘન પૂછપરછ કરતા તે એક રીઢો ગુનેગાર અને સિરિયલ કિલર હોવાનું સામે આવ્યું છે. તેણે કબૂલાત કરી હતી કે આ હત્યા પહેલા, તેણે આશરે 4 મહિના અગાઉ પોતાના જ એક મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. તે સમયે તેણે મિત્રને મોરફીનની ગોળીઓનો ઓવરડોઝ આપીને તેની હત્યા કરી નાખી હતી. આમ, લૂંટના કેસની તપાસમાં પોલીસે એક ખતરનાક સિરિયલ કિલરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.