સુરત: સુરતમાં બંટી બબલીની જોડીને આખરે ચોક બજાર પોલીસે ઝડપી પાડી હતી. સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા યુવાન સાથે આઠ મહિનાથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી, જોકે ત્યારબાદ આ યુવાનનું ઘર રૂ 97 લાખમાં વેચાવી દઈ આ રોકડ રકમ લઈ પોતાના પ્રેમી સાથે ભાગી છુટ્ટી હતી. આ બનાવમાં ચોક બજાર પોલીસે મહિલા અને તેના પ્રેમીને સાસરિયામાંથી ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. 


બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો


સુરતના વિરામ નગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ ઉકાણી મજૂરી કામ કરી પોતાના પરિવારજનું ગુજરાન ચલાવે છે.  થોડા સમય પહેલા જ તેમની ઓળખાણ જયશ્રી ભગત નામની મહિલા સાથે થઇ હતી. જયશ્રી શરૂઆતના સમયે દિલીપભાઈના ઘરમાં ઘર કામ કરતી હતી.  જોકે ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.  જયશ્રી અગાઉથી જ પરણિત હતી. જોકે તેને તેના પતિને છૂટાછેડા આપી પોતાના બે દીકરા સાથે પિયરમાં રહેતી હતી. છેલ્લા આઠ મહિનાથી જયશ્રી અને દિલીપ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. 


પૈસા ચોરી કરવાનું ષડયંત્ર રચ્યું


આ દરમિયાન જયશ્રીએ દિલીપભાઈનું ઘર વેચાવી નાખ્યું હતું અને આ ઘરના વેચાણના રૂપિયા 97 લાખ આવ્યા હતા. આટલી મોટી રકમ આવતાની સાથે જ જયશ્રીની ચાર આંખ થઈ હતી. જયશ્રીએ તેના પ્રેમી શુભમ મીશાળ સાથે મળી આ પૈસા ચોરી કરવાનું ષડયંત્ર રચ્યું  હતું. 31મી જાન્યુઆરીના રોજ જયશ્રીએ પોતાના બાળકને મળવા માટે તેના પિયર જવાનું કહી ઘરેથી નીકળી હતી.  આ દરમિયાન જયશ્રીએ ઘરના વેચાણના આવેલા રૂપિયા 97 લાખની રકમ ભરેલી બેગ તેના પ્રેમી સાથે લઈ ભાગી છૂટી હતી. 


ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ કરી


બીજે દિવસે જ્યારે જયશ્રી ઘરે પરત નહીં આવી અને રોકડ રકમ ભરેલી બેગ જોવા ન મળતા દિલીપભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.  દિલીપભાઈએ તાત્કાલિક ધોરણે ચોક બજાર પોલીસ મથક પહોંચ્યા હતા અને આ બનાવ અંગે જયશ્રી વિરુદ્ધા ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જયશ્રી તેના પ્રેમી શુભમ સાથે રોકડ ભરેલી બેગ લઈને જતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે તાત્કાલિક ધોરણે અલગ-અલગ ટીમો બનાવી જયશ્રી અને શુભમની શોધ ખોળ હાથ ધરી હતી 


આ દરમિયાન ચોક બજાર પોલીસને બાતમી મળી હતી કે જયશ્રી તેના પિયર બાળકોને મળવા માટે આવી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી જયશ્રી અને તેના પ્રેમી શુભમની ધરપકડ કરી હતી.  પોલીસે આ બંને પાસેથી મહારાષ્ટ્ર ખાતે છુપાવેલા રૂ 70.50 લાખની રોકડ કબજે કરવામાં સફળતા મેળવી હતી. હાલ તો બાકીની રકમ બંનેએ  ક્યાં વાપરી છે અને કોને આપ્યા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.