Hanuman Chalisa Row: બાંદ્રા કોર્ટે સાંસદ નવનીત રાણા અને રવિ રાણાને 14 દિવસ માટે જેલમાં મોકલી દીધા છે. કોર્ટે પોલીસ કસ્ટડીની માંગણી ફગાવી દીધી હતી. મુંબઈ પોલીસે આજે સાંસદ નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાને બાંદ્રા હોલીડે કોર્ટમાં રજૂ કર્યા હતા. બંને પર ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો આરોપ છે. શિવસેનાની ફરિયાદ પર તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
રાણા દંપતી વતી એડવોકેટ રિઝવાન મર્ચન્ટ અને એડવોકેટ વૈભવ કૃષ્ણ કોર્ટમાં હાજર રહ્યા હતા. મેજિસ્ટ્રેટ એએ ધનીવાલેએ બાંદ્રા કોર્ટમાં સમગ્ર મામલાની સુનાવણી કરી હતી. હોલિડે કોર્ટમાં સુનાવણી દરમિયાન રાણાના વકીલ રિઝવાન મર્ચન્ટે ધરપકડ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેને કસ્ટડી આપવામાં ન આવે.
નવનીત રાણા અને રવિ રાણા 14 દિવસની જેલમાં
મુંબઈ પોલીસે 7 દિવસની કસ્ટડીની માંગણી કરી હતી.. સરકારી વકીલ પ્રદીપ ઘરતે કોર્ટમાં જણાવ્યું હતું કે રવિ રાણા અને નવનીત રાણાને 7 દિવસની કસ્ટડીની જરૂર છે. મર્ચંટે પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં નિર્ધારિત કલમો પર સવાલ ઉઠાવ્યા. આ પહેલા સાંસદ નવનીત રાણાના વકીલે કહ્યું હતું કે તેઓ ધરપકડને હાઈકોર્ટમાં પડકારશે. વકીલનું કહેવું છે કે બંને જનપ્રતિનિધિ છે અને ધરપકડ પહેલા સ્પીકર પાસેથી પરવાનગી લેવી જોઈતી હતી. પોલીસ દ્વારા સાંસદ નવનીત કૌર રાણા અને તેમના પતિ રવિ રાણાની ધરપકડ બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
હનુમાન ચાલીસાને લઈને મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાએ શનિવારે સવારે 9 વાગ્યે માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. નવનીત રાણાએ કહ્યું કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે હિન્દુત્વના કારણે તેમના પદ પર છે પરંતુ તેમણે હવે તેમની વિચારધારા છોડી દીધી છે. નવનીત રાણા અને તેના પતિ રવિ રાણા પર IPCની કલમ 153 (A) (ધર્મ, જાતિ, જન્મસ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સદભાવના જળવાઈ ન રહે તેવા કાર્યો કરવા) અને કલમ 135 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.