CRIME NEWS: જામનગરમાં ડબલ મર્ડરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખનાર પતિએ પત્ની અને 1 વર્ષની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધા છે. જામનગર લાલપુર બાયપાસ નજીક મોરકંડા ધાર પાસેથી માતા પુત્રીની ગતરાત્રીના રોજ લાશ મળી આવી હતી. યુવકે પત્ની અને દીકરીની સવારે હત્યા કરીને સાંજે રાજકોટ એ ડીવીઝન પોલીસ મથકમાં હાજર થયો હતો.પતિની શંકાને કારણે પત્ની રીસામણે હતી. પત્ની પર શંકા રાખનાર પતિ તારીક લાડકાએ પત્ની શબાના અને 1 વર્ષની પુત્રી રૂબીનાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા. હત્યારા પતિ સામે સાસુએ પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


સુરતમાં શાકમાં મિઠું વધુ પડી જતા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી


સુરત: ત્રિપલ તલાકનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પતિએ શાકમાં મીઠું વધું પડતાં પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી.  પત્નીએ પતિને ફોન કરી ખબરઅંતર પૂછ્યા તો તેમણે ફોન પર કહ્યું, તલાક! તલાક! તલાક!


પતિનું અન્ય યુવતી સાથે અફેયર હોવાની શંકા જતાં ઘરમાં કંકાસ શરૂ થયો


હવે આ મામલો ઉધના પોલીસ મથકે પહોંચ્યો છે. નાનપુરા કાદરશાની નાળમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીના લગ્ન આંજણા ફાર્મમાં રહેતાં અનિશ મુસ્તાક શાહ સાથે થયા હતા. એક મહિના બાદ આ યુવતીને પતિનું અન્ય યુવતી સાથે અફેયર હોવાની શંકા જતાં ઘરમાં કંકાસ શરૂ થયો હતો. એક વખત શાકમાં મીઠું વધુ પડી જતાં પતિ અને સાસરીયાઓ ઝઘડો કરી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. દહેજનાં પાંચ લાખ રૂપિયા લાવે તો જ ઘરમાં લાવવાનું કહી પિયર મોકલી અપાઇ હતી.


તો બીજી તરફ ગત ડિસેમ્બર મહિનમાં પતિ અનિશની તબિયત ખરાબ હોવાનું જાણવા મળતાં યુવતીએ પાડોશીના ફોનથી પતિને ખબર અંતર પૂછવા કોલ કર્યો હતો.  ફોન ઉપર જ પોતાને તેડી જવાની વાત કહેતાં પતિએ આવેશમાં આવી તલાક! તલાક! તલાક! કહી છૂટાંછેડાં આપી દેતાં યુવતી હેબતાઈ ગઈ હતી. પોતાની સાથે થયેલાં અન્યાયને લઇને તેણે પતિ અને સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


મોરબીમાં ફાયરિંગ


 મોરબીના હળવદમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગની ઘટનામાં બંસીધર ઓઇલ મિલના મલિક લક્ષ્મણભાઇ વરૂનું મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર લાઇસન્સ વાળી રીવોલ્વરની સફાઈ કરતી વખતે ફાયરિંગ થયું છે. ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને રાજકોટ લાવવામાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.