સુરત: સુરતના છાપરાભાઠા વિસ્તારમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૂળ રાજસ્થાનની 29 વર્ષીય માયાબેન કુમાવતનું બાથરૂમમાં રહસ્યમય હાલતમાં મોત થયું હતું. પતિનો દાવો હતો કે, બાથરૂમમાં પડી જવાથી પત્ની માયાનું મોત થયું હતું. જો કે, પિયર પક્ષનો આરોપ હતો કે, પતિએ જ હત્યા કરી છે.
પોલીસે મૃતક માયાબેનના મૃતદેહનું પેનલ પોસ્ટર્મોટમ કરાવ્યું હતું. જેમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે માયાબેનના પતિ ઘનશ્યામ કુમાવતની કડકાઈથી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો અને પત્નીની હત્યા કર્યાનું કબૂલ્યું હતું. પત્ની સાથે ઝઘડો થતાં ગળું દબાવી બોથડ પદાર્થના ઘા મારી હત્યા કર્યાનું કબૂલ્યું હતું.
માયાબેનના ઘનશ્યામભાઈ સાથે 10 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તેમને 6 વર્ષનો એક દીકરો છે. પતિ સાથે અણબનાવને લઈ માયાબેન 3 વર્ષથી પિયર રાજસ્થાનમાં રહેતા હતા. 3 દિવસ પહેલાં જ પતિ માયાને સુરત લાવ્યો હતો. પત્નીને સુરત લાવ્યા બાદ પતિએ હત્યા કરી નાંખી.
4 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં આરોપી ઝડપાયો
સુરતમાં 4.29 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસ મામલે આરોપી બળદેવ સખરેલીયાની ધરપકડ કરવામાં આવી છે. સુરત SOG પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સોનામાં કેવા પ્રકારનું કેમિકલ ભેળવતા સહિતના મુદ્દાની તપાસ કરવામાં આવશે. સુરતમાં 4.29 કરોડ રૂપિયાના ગોલ્ડ સ્મગલિંગ ઝડપાયું હતું. આ કેસમાં 10 મહિના બાદ આરોપી બળદેવ મનસુખ સખરેલિયા ઝડપાયો છે. પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કેસની વિગતો વિશે વાત કરીએ તો 10 મહિના પહેલા એસ.કે.નગર ચોકડી પાસેથી ચાર આરોપીઓ સ્મગલિંગના સોના સાથે ઝડપાયા હતા. તપાસ દરમિયાન આરોપી બળદેવ મનસુખ સખરેલીયાને ગોલ્ડ મંગાવ્યું હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. 10 મહિના પછી આરોપી બળદેવની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી બળદેવને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
સુરત SOG પોલીસ હવે શું તપાસ કરશે ?
1) સોનામાં કેવા પ્રકારનું કેમિકલ ભેળવ્યું હતું તે કેમિકલ બાબતે તપાસ કરવાની છે.
2) આ ગુના પહેલા બળદેવ અન્ય આરોપી સાથે ફોન પર સંપર્કમાં હતો. તે મોબાઈલ ફોન અને સીમકાર્ડ કોઈ જગ્યાએ ફેંકી દીધા છે તે ફોન બાબતે તપાસ કરવાની છે.
3) આરોપી દુબઈથી સોનું લાવીને ભારતમાં કોને-કોને આપતા હતા, સોનાના સ્મગલિંગ અને સોનું ખરીદનારા પડદા પાછળ છુપાયેલા ચહેરા ઉજાગર કરી સરકાર સાથેની છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કરવાનો છે.
4) આરોપી 10 મહિનાથી નાસતો ફરતો હતો, આટલા સમય સુધી આરોપી કોની મદદથી ક્યાં છૂપાયેલો અને તેને કોણે આશરો આપ્યો હતો. તેની તપાસ કરવાની છે.
5) સોનુ દુબઈથી દિલીપ પટેલ ઉર્ફ ડી.એમ. પટેલ નામના વ્યક્તિ પાસેથી મંગાવ્યું હોવાની કબૂલાત આરોપીએ કરી પરંતુ તેના વિશે કોઈ માહિતી આપતો નથી, દિલીપ પટેલની તપાસ કરવાની છે.
6) આરોપી બળદેવે આ પહેલા પણ નીરવ, ફેનીલ, અભિષેક અને તુષાર નામના વ્યક્તિને દુબઈ મોકલીને સોનું સ્મગલિંગ કરીને મંગાવ્યું હતું. તે સોનું બળદેવે લીધું હોવાની સંભાવના નકારી શકાય નહીં તે દિશામાં પણ તપાસ કરવાની છે.
7) આ પહેલા પણ ડીઆરઆઈએ આરોપી બળદેવને 8.58 કરોડ રૂપિયાના સોનાના સ્મગલિંગમાં ઝડપાયો હતો. આવી રીતે હાલ સુધીમાં કેટલો આર્થિક લાભ મેળવ્યો છે તેની તપાસ કરવાની છે.
8) આરોપીના બેંક એકાઉન્ટ ડિટેઈલ મેળવીને તેમાં થયેલા ટ્રાન્જેક્શન બાબતે તપાસ કરવાની છે.
9) આ ટોળકી સંગઠીત ટોળકી બનાવીને સોનાનું સ્મગલિંગ કરવાનું રેકેટ ચલાવે છે. જેથી આ આરોપીઓની સાથે કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ કરવાની છે.