વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુરના ગોરખડા ગામે પત્નીએ કામ કરવા અંગે પતિને ટકોર કરતા પતિએ હથોડીના ફટકા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. સ્થાનિકોએ હત્યારા પતિને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સિદુબર ગામનાં નિશાળ ફળિયામાં રહેતી મયુરીના લગ્ન રાજપુરી જંગલ ગામનાં ગોરખડા ફળિયામાં રહેતા જીતેશ ચંદુ કુંવર સાથે વર્ષ 2007-8 માં થયા હતા. તેઓના સુખી દામ્પત્ય જીવન દરમિયાન ત્રણ સંતાન સુખ મળ્યું હતું, પરંતું અધૂરા માસના હોવાના કારણે પ્રથમ બાળક જન્મ બાદ મૃત્યુ થયું હતુ. બીજું સંતાન પૂરા માસનું હતુ, પરંતું કમજોર હોવાના કારણે એક માસ બાદ મોતને ભેટ્યું હતુ, જ્યારે હાલે ત્રીજું સંતાન 4 માસ ધરાવે છે. મયુરી દ્વારા પતિ કોઈ કામ ધંધો ન કરતો હોય જેને કારણે અનેકવાર પતિને ટકોર કરતી હતી. જેને લઈને મયુરી સાથે જીતેશ અવાર-નવાર ઝગડો કરી મારપીટ કરતો હતો. પરંતુ તેઓનો ઘર સંસાર ન બગડે તેથી સમાધાન કરવામા આવતું હતું.
પતિ-પત્ની વચ્ચે સમાધાન બાદ થોડા દિવસો માટે જીતેશ મયૂરીને સારી રીતે રાખતો હતો. પરંતુ થોડા દિવસો પછી ફરી જીતેશે મયુરી સાથે ફરી મારપીટ ચાલુ કરી હતી. મયુરી દ્વારા પતિ જીતેશને ફરી કામધંધા અંગે ટકોર કરતા જીતેશે પત્ની મયુરી સાથે ઝગડો કરી માથાનાં ભાગે હથોડીના ફટકા મારતા મયૂરીનું ઢીમ ઢાળી દીધું હતું. આ બનાવ બાદ દોડી આવેલા સ્થાનિક રહીશોએ જીતેશને પકડી રાખ્યો હતો.
આ સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને થયેલ જાણના પગલે પોલીસે લાશનો કબજો લઈ પી.એમ કરાવી પરીવારને મૃતદેહ સોંપ્યો હતો. પોલીસે જીતેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોકત બનાવ બાબતે મૃતક મયૂરીના પિતાએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ત્રણ નરાધમોએ આધેડ મહિલા પર દુષ્કર્મ આચર્યું
અહમદ પઠાણ, શકીલ પઠાણ અને ચમન પઠાણ આ ત્રણ નરાધમોએ આધેડ મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. વડોદરાના છાણી વિસ્તારની ઘટના છે. સામાન્ય પરિવારની 55 વર્ષીય મહિલા કામની શોધમાં હતી. કામવાળીની જરૂર હોય તે અંગે લોકોને પૂછતી હતી. આ દરમિયાન અહમદ પઠાણ નામના રિક્ષાચાલકની નજર તેના પર પડી હતી. અહમદ પઠાણે છાણી વિસ્તારમાં એક સ્થળે કામવાળીની જરૂર હોવાનું કહી તેને રિક્ષામાં બેસાડી L એન્ડ T સર્કલના પાછળના ભાગે લઈ ગયો હતો. અહીં પહેલેથી જ શકીલ પઠાણ અને ચમન પઠાણ નામના બે શખ્શ હાજર હતા.
મહિલાને શંકા જતાં તેણે બૂમો પાડી પરંતુ ત્રણેય નરાધમોએ મહિલાને ઊંચકી દીવાલની પાછળ ધકેલી દીધી અને ત્રણેયે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમોથી બચવા મહિલાએ બૂમો પાડી હતી. પરંતુ અવાવરું જગ્યા હોવાથી અને રસ્તા પરના વાહનોના અવાજના કારણે તેની બૂમો કોઈને સંભળાઈ નહીં. ત્રણેય નરાધમો ભાગી ગયા બાદ મહિલાએ પોતાની દીકરીને ફોન કરતાં દીકરીએ પોલીસને જાણ કરી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય નરાધમોને દબોચી લીધા હતા. ચમન પઠાણ નામના આરોપીની અગાઉ પણ દુષ્કર્મના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે.