સુરત:  ડાયમંડ નગરી સુરતમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો સુરતના રાંદેર વિસ્તારમાં પ્રેમ લગ્નમાં 15 વર્ષથી સાથે જીવન જીવતા અને બે મહિના પહેલા જ છુટાછેડા થઈ ચૂકેલ પતિ પત્ની વચ્ચેનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં છુટાછેડા થઈ ગયા બાદ પતિએ ફરી પત્નીને મળવા બોલાવી હતી. પતિ પત્ની સાથે સમગ્ર દિવસ દરમિયાન ફર્યો અને મોડી સાંજે અચાનક કોઈક બ્લડનું ઇન્જેક્શન આપી દીધું છે. હવે આ શેનું ઇન્જેક્શન છે તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે. પરંતુ કોઈ ચેપી અને ઘેન યુક્ત બ્લડનું ઇન્જેક્શન આપી દેતા મહિલા આ અંગે તાત્કાલિક રાંદેર પોલીસ મથક ફરિયાદ કરવા આવી હતી. પોલીસે મહિલાની ફરિયાદ લઇ તેના પૂર્વ પતિની ધરપકડ કરી વધુ તપાસ કરી છે.


સુરતમાં પૂર્વ પતિનું અજીબોગરીબ કારસ્તાન


સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી મહિલા અને રાંદેરના મોરાભાગળ વિસ્તારમાં રહેતા યુવક વચ્ચે 15 વર્ષ પહેલા પ્રેમ સંબંધ થયા બાદ લગ્નગ્રંથિમાં બંધાયા હતા. 15 વર્ષના લગ્નજીવન બાદ તેમને બે બાળકો છે અને 15 વર્ષ બાદ પતિને પત્નીના ચારિત્ર પર શંકા ઉપજતા બંને વચ્ચે અવારનવાર ઘર કંકાસ ચાલી રહ્યો હતો. જેને લઇ બે મહિના પહેલા જ બંનેના કોર્ટમાંથી છૂટાછેડા થઈ ગયા હતા. જેથી મહિલા તેના બે બાળકો સાથે તેની માતાના ઘરે રહેવા જતી રહી છે. ત્યારે પતિએ મહિલાને ફરી મળવા બોલાવવાનું કહેતા બંને મળવા ફરી ભેગા થયા હતા. અને આ સમય દરમિયાન પતિએ મહિલાને દિવસ દરમિયાન પોતાની સાથે ફેરવી સાંજે અંધારામાં મહિલાને કોઈ ચેપી રોગ સાથેનું લોહીવાળું ઇન્જેક્શન મારી ચાલ્યો ગયો હતો.


ક્રિસમસના દિવસે ફરવા ગયા હતા


મહિલાનો પતિ શંકર કામલે તેની પૂર્વ પત્નીને મળવા માટે ખાસ પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે ગત 25 ડિસેમ્બરને ક્રિસમસના દિવસે મહિલાનો પૂર્વ પતિ શંકરનો તેની પર ફોન આવ્યો હતો. અને પોતાની સાથે બહાર ફરવા જવાની વાત કરી હતી. જેને લઇ મહિલા સહમત થઈ હતી. અને દિવસ દરમિયાન તેઓ જુદી જુદી જગ્યાએ બાઈક ઉપર ફર્યા હતા. આ દરમિયાન શંકરે તેની પૂર્વ પત્નીને પરફ્યુમની પણ ખરીદી કરાવી હતી. ત્યારબાદ મહિલાના પૂર્વ પતિએ અંધારું થઈ ગયા બાદ રામદેવમાં ખુલ્લી જગ્યાએ લઈ જઈ મહિલાને અચાનક ભેટી થાપામાં કોઈ પ્રકારનું ઇન્જેક્શન આપી દીધું હતું. મહિલાએ તેને પૂછ્યું આ શું આપ્યું છે તો કાંઈ જ તેણે કહ્યું ના હતું. થોડા સમય બાદ મહિલાને આ શક્તિ જેવું વર્તાવા લાગ્યું હતું. જેને લઇ મહિલા તાત્કાલિક આ અંગે ફરિયાદ કરવા રાંદેર પોલીસ મથક પહોંચી હતી.


સિવિલમાંથી આ ઇન્જેક્શન લાવ્યો હતો


મહિલા રાંદેર પોલીસ મથક પહોંચ્યા બાદ પોતાની સાથે બનેલી ઘટના વિશે પોલીસને જાણ કરી હતી જેને લઇ પોલીસે તાત્કાલિક મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તેને કોઈક પ્રકારની ઇન્જેક્શન આપ્યા હોવાનું જણાય આવતા પોલીસે મહિલાની ફરિયાદ લીધી હતી. મહિલાની ફરિયાદને આધારે પોલીસે તાત્કાલિક તેના પૂર્વ પતિ શંકર કામલી ધરપકડ કરી લીધી હતી. પોલીસે પૂર્વ પતિ શંકર કામલીની ધરપકડ બાદ તેની તપાસ કરતા તેની પાસેથી બ્લડ વાળું ઇન્જેક્શન પણ મળી આવ્યું હતું. પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે સિવિલમાંથી આ ઇન્જેક્શન લાવ્યો હતો. હાલ ઇન્જેક્શન શેનું છે અને તે કેવી રીતે લાવ્યો તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.


એફએસએલ રિપોર્ટ પર નિર્ભર પોલીસ


પોલીસે મહિલાની ફરિયાદને આધારે પૂર્વ પતિની ધરપકડ કરી લીધી તેની પૂછપરછ કરી તપાસ કરી રહી છે. તો બીજી તરફ પોલીસ મહિલાને તેના શરીરમાં તેના પૂર્વ પતિ દ્વારા મારવામાં આવેલા બ્લડના ઇન્જેક્શનને લઈને પણ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા મહિલાનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે. આ બ્લડ સેમ્પલના એફએસએલનો રિપોર્ટ આવવાનો બાકી છે. મહિલાને કયા ચેપી રોગનું ઇન્જેક્શન આપ્યું છે તે હાલ સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. ઇન્જેક્શન મારનાર તેનો પૂર્વ પતિ પણ પોલીસ સમક્ષ કોઈ ચોક્કસ રોગના ઇન્જેક્શનનું નામ લઈને કહી રહ્યો નથી. જેને લઇ પોલીસ હાલ મહિલાના બ્લડ સેમ્પલના એફએસએલ રિપોર્ટ પર નિર્ભર રહી છે. મહિલાનો એફએસએલ રિપોર્ટ આવી ગયા બાદ જ સાચું કારણ જાણી શકાશે કે તેને કયા રોગનું ઇન્જેક્શન આપ્યું છે.


15 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા.


મહિલાની ફરિયાદને આધારે પોલીસ તાત્કાલિક એક્શન મોડ પર આવી ગઈ હતી. આ અંગે એસીપી બીએમ ચૌધરીએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક ત્વરિત પગલા લીધા હતા. મહિલાને તેના પૂર્વ પતિએ મળવા બોલાવી હતી. બંને વચ્ચે 15 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. અને 15 વર્ષ બાદ બે મહિના પહેલા બંને વચ્ચે તકરાર થતાં તેઓ વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારે બે દિવસ પહેલા તેને મળવા બોલાવ્યા બાદ તેને કોઈક પ્રકારનું ઇન્જેક્શન આપી દીધું છે તેવી ફરિયાદ મળતા પોલીસે મહિલાની ફરિયાદ લઈને તેના પૂર્વ પતિની ધરપકડ કરી લીધી છે. પોલીસ મહિલા અને બ્લડના સેમ્પલ લઈને તપાસ કરી રહી છે. બીજું આ ઇન્જેક્શન એચઆઈવી નું છે કે નહીં તે અમે સ્પષ્ટ પણે ના કહી શકીએ. હાલ આ અંગે રીપોર્ટ આવવાના બાકી છે રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ કારણ કહી શકાશે.


ડ્રાઈવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે યુવક


શંકરની પૂર્વ પત્નીએ જણાવ્યું હતું કે સવારે પતિનો ફોન કર્યો હતો અને મને મળવા બોલાવી હતી અને મને ફરીથી લગ્ન કરવાની વાત કરી હતી જેથી હું તેની સાથે ગઈ હતી. ત્યારબાદ પરફ્યુમનની તેણે ખરીદી પણ કરી હતી. અને ત્યારબાદ રાંદેર વિસ્તારમાં અંધારામાં લઇ ગયો હતો. ત્યાં તેણે જબરદસ્તી કરી હતી મેં પ્રતિકાર કર્યો હતો. અને ત્યારબાદ મને ઇન્જેક્શન મારી દીધું હતું. આ મામલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. મને ઇન્જેક્શન આપ્યા તે બદલ રીપોર્ટ કરાવવામાં આવ્યા છે. તે ડ્રાઈવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે