Jaish terrorists chemical weapon plot: ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર અને પાટણના સિદ્ધપુરમાંથી ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદના 13 આતંકીઓની પૂછપરછમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા છે. ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ આતંકીઓ રાજ્યમાં કોઈ મોટો આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હતા. આ માટે તેઓએ જુદા જુદા પુસ્તકોના આધારે ઝેરી ગેસ (કેમિકલ વેપન) બનાવવાની નવી પદ્ધતિ વિકસાવીને હુમલો કરવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું. આ ઉપરાંત, પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ઈશારે તેઓ મદરેસાના યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકના રવાડે ચડાવવાનું નેટવર્ક પણ ચલાવી રહ્યા હતા.

Continues below advertisement

પાકિસ્તાની આકાઓના સંપર્ક અને કેમિકલ વેપનની તૈયારી

ATSની સઘન પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા 13 આતંકીઓમાંથી 5 આતંકીઓ સીધા જ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ અને આતંકી સંગઠનના આકાઓના સતત સંપર્કમાં હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૌલાના અઝહર મસૂદને લખવામાં આવેલા કેટલાક ગુપ્ત પત્રો પણ મળી આવ્યા છે. આ આતંકીઓએ પાકિસ્તાની આકાઓના પુસ્તકો અને સામગ્રીઓ વાંચીને ઝેરી ગેસ બનાવવાની તાલીમ લીધી હતી. આ લોકો એક કાચની બરણીમાં છાણ, મકાઈનો લોટ, મટનના ટુકડા અને કેટલાક ઘાતક કેમિકલ્સ મિક્સ કરીને તેને 15 દિવસ સુધી જમીનની નીચે દાટી રાખતા હતા. આખી પ્રક્રિયાના અંતે બરણીની અંદર એક જીવલેણ ગેસ તૈયાર થતો હતો. જોકે, તેઓ આ ઘાતક કેમિકલ વેપનનો ઉપયોગ કયા ચોક્કસ ટાર્ગેટ પર કરવાના હતા, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Continues below advertisement

'દાવત'ના બહાને યુવાનોનું બ્રેઈનવોશ

આ આતંકીઓ માત્ર હુમલાની તૈયારીઓ જ નહોતા કરી રહ્યા, પરંતુ યુવાનોને આતંકવાદ તરફ વાળવાનું પણ મોટું ષડયંત્ર ચલાવતા હતા. આતંકવાદી સંગઠનો તરફથી જે પણ સામગ્રી મોકલવામાં આવતી, તેના આધારે આ લોકોએ 43 જેટલી પુસ્તિકાઓ તૈયાર કરી હતી. આ પુસ્તિકાઓનું અલગ-અલગ મદરેસાઓમાં ખૂબ જ ગુપ્ત રીતે વિતરણ કરવામાં આવતું હતું. આતંકીઓ ખાસ કરીને મદરેસામાં ભણતા કિશોરો અને યુવાનોને પોતાનો શિકાર બનાવતા હતા. જે યુવાનોના વિચારોમાં તેમને ઉગ્રવાદી માનસિકતા દેખાય, તેમને 'ખાસ દાવત'ના બહાને બોલાવવામાં આવતા હતા. ત્યારબાદ તેમનું બ્રેઈનવોશ કરીને તેમને દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકના કાળા રસ્તે ધકેલી દેવામાં આવતા હતા.

આ પણ વાંચોઃ પાટણમાં લુખ્ખારાજ: જીલીયા ફાર્મ હાઉસ પર ગુંડાઓનો આતંક, પોલીસ ડરીને ઊભી પૂંછડીએ ભાગી!