જૂનાગઢ: જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક આવેલ યુનિયન બેંકના મેનેજરે 2 ફેબ્રુઆરીના રોજ  ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બેંક મેનેજર આપઘાત કેસમાં સુસાઇડ નોટ  હવે વાયરલ થઈ છે. અધિકારીએ પોતાની સુસાઇડ નોટમાં ઓફિસ પોલિટિક્સનો ઉલ્લેખ કર્યો છે.આ ઉપરાંત તેમના મેનેજરના ચાર્જ સિવાય અન્ય બે વધારાના ચાર્જ સોંપાયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


આ મામલે પોલીસ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી કે સુસાઇડ નોટના આધારે હાલ તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે તેમની દિકરી અને પત્નીને પેન્શનનો લાભ મળે તેવો પણ ઉલ્લેખ તેમણે કર્યો છે. પોલીસ પ્રતિક્રિયામા જણાવાયું હતું કે હાલ આ મામલે ઝીણવટપૂર્વકની તપાસ ચાલી રહી છે અને જે કોઈ કસૂરવાર સાબિત થશે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  મહત્વનું છે કે ગત 2 ફેબ્રુઆરીના રોજ યુનિયન બેંકના મેનેજરે બેંકમાં ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. 


જૂનાગઢ શહેરમાં આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા ઓફિસરે બેંકની સામે જ આવેલી રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી.   મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની રિજનલ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઓફિસર સિયારામ પ્રસાદે સાડાચાર વાગ્યે બેંકની સામે જ આવેલી રેલિંગમાં દુપટ્ટો બાંધી લટકી જઈ જિંદગી ટૂંકાવી હતી. આ સમગ્ર ઘટનાને લઈ હાહાકાર મચી ગયો હતો. 


બેંકની સામે જ રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી


રાત્રિના સમયે જ ઘરેથી નીકળી ગયેલા સિયારામ પ્રસાદ તેમના ઘરે હાજર ન મળતાં તેમનાં પત્નીએ તેમની વાત તેમના સહકર્મચારીઓને કરી હતી. ત્યાર બાદ તેમનો પરિવાર અને અન્ય કર્મચારીઓ સિયારામ પ્રસાદને શોધવા માટે નીકળ્યા હતા. ત્યારે સિયારામ પ્રસાદે તેઓ જ્યાં નોકરી કરતા હતા એ બેંકની સામે જ રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની જાણ થતાં પરિવારો પર આભ ફાટ્યું હતું. પોલીસે એક સુસાઈડ નોટ પણ કબજે કરી હોવાનું એ સમયે જાણવા મળ્યું હતું. પરંતુ લાંબા સમય બાદ સુસાઈડ નોટ હવે સામે આવી છે.             


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial