કાનપુરમાં કોરોનાથી ડિપ્રેશનનો શિકાર બનેલા એક પ્રોફેસરે પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. આરોપી ડોક્ટરની પોલીસે શોધખોળ શરૂ કરી હતી. કાનપુરના કલ્યાણપુરના એક ફ્લેટમાં રહેતા પ્રોફેસર સુશીલ કુમારે કોરોનાના કારણે ડિપ્રેશનમાં આવીને તેની પત્ની ચંદ્રપ્રભા, પુત્ર અને પુત્રીની હત્યા કરી નાખી હતી.


શું લખ્યું પ્રોફેસરે ડાયરીમાં


પ્રોફેસરે એક ડાયરીમાં લખ્યું હતુઃ હવે મૃતદેહો નથી ગણવા, ઓમિક્રોન કોઈને પણ છોડશે નહીં. એના દુઃખમાંથી મુક્તિ આપવવા હું આ કરી રહ્યો છું. ઓમિક્રોન.... કોવિડ હવે બધાને મારી નાંખશે. હવે લાશો નથી ગણવી. મારી બેદરકારીના કારણે કરિયરના એવા મુકામ પર ફસાઇ ગયો છું જ્યાંથી નીકળવુ હવે અસંભવ છે. મારું કોઈ ભવિષ્ય નથી. તેથી હું મારા પૂરી સભાનતામાં સમગ્ર પરિવારને ખતમ કરીને ખુદને ખતમ કરી રહ્યો છું. તેનું જવાબદાર કોઈ નથી.


ઘટના બાદ પ્રોફેસર ફરાર


હત્યા કર્યા પછી પ્રોફેસર તેના ભાઈને ટેક્સ્ટ મેસેજમાં આ ઘટનાની જાણકારી આપી હતી. તેનો ભાઈ ફ્લેટે પહોંચ્યો ત્યારે તેણે ત્રણ મૃતદેહો જોયા હતા અને પોલીસને ઘટનાની જાણકારી આપી હતી.પ્રો, સુશીલ કુમાર આ ઘટના પછી ફરાર થઈ ગયો હતો. એ એક ખાનગી મેડિકલ કોલેજમાં ફોરેન્સિલ વિભાગનો વડો છે. તેના આ કૃત્યથી આખાય કાનપુર શહેરમાં ચકચાર મચી ગઈ હતી.


હથોડો મારીને પત્નીની કરી હત્યા


પત્ની ચંદ્રપ્રભાને મારવા માટે તેમણે હથોડાનો ઉપયોગ કર્યો હતો. તેનું માથું કચડીને તેની હત્યા કરી હતી. પુત્ર અને પુત્રીનું ગળું દબાવીને તેમને ગૂંગળાવી નાખ્યા હતા. પોલીસે એવી શંકા વ્યક્ત કરી હતી કે હત્યા પછી પ્રોફેસરે પણ એવું કંઈક પગલું ભર્યું હોવાની પૂરી શક્યતા છે. તેની ડાયરી પરથી જણાયું કે તે કોરોનાના કારણે ડિપ્રેશનમાં હતો. તેનો મોબાઈલ બંધ હોવાથી પોલીસે છેલ્લાં લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ કમિશ્નર અસીમ અરૂણ, એડિશનલ કમિશ્નર આનંદ પ્રકાશ તિવારી પણ સ્થળ પર પહોંચ્યા હતા.